જીડીપી ઘટતો હોય ત્યારે શૅરબજારમાં તેજી કેમ સંભવે?

જીડીપી ઘટતો હોય ત્યારે શૅરબજારમાં તેજી કેમ સંભવે?
આઈએમસી દ્વારા વર્ચ્યુઅલ ચર્ચામાં નિષ્ણાતો : નાના રોકાણકારો શૅરબજારને ચલાવે છે 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 15 : ભારતીય અર્થતંત્રમાં વિકાસદર (જીડીપી) ઘટી રહ્યો હોવા છતાં શૅરબજારમાં તેજી જોવા મળી રહી છે. આ વિરોધાભાસને સમજાવતા  એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઈન્વેસ્ટમેન્ટ અૉફિસર નવનીત મુનોટે કહ્યું કે પહેલા તબક્કામાં નવા રોકાણકારો બજારમાં આવી રહ્યા છે. તેઓ પૈસા બનાવશે. લોકડાઉનમાં તેમની પાસે સમય છે, ત્યાં સુધી શૅરબજાર ઉપર નજર રાખશે. પરંતુ સમય જતાં તેઓ વધુ સમય ફાળવી નહીં શકે અને ક્રમશ: પોતાનાં નાણાંનું મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા રોકાણ કરશે. 
નેપિયન કેપિટલ એલએલપીના સહસ્થાપક અને મૅનાજિંગ પાર્ટનર ગૌતમ ત્રિવેદીના સંકલન સાથે આઈએમસી ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીની ઓલ્ટરનેટ ફાંડિંગ કમિટી દ્વારા `ભારતમાં શૅરબજારમાં વિરોધાભાસ?' વિષય ઉપર વર્ચ્યુઅલ ચર્ચાનું આયોજન કરાયું હતું. આ ચર્ચામાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઈન્વેસ્ટમેન્ટ અૉફિસર નવનીત મુનોટ, કોટક મહિન્દ્ર એસેટ મૅનેજમેન્ટના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મૅનાજિંગ ડિરેક્ટર નિલેશ શાહ, ફ્રેન્કલિન ટેમ્પલટન-ઇન્ડિયાના એમડી અને સીઆઈઓ આનંદ રાધાક્રિશ્નને ભાગ લીધો હતો.
આઈએમસીની ઓલ્ટરનેટ ફાંડિંગ (પીઈ પ્લસ કેપિટલ માર્કેટ્સ) કમિટીના કો-ચૅરમૅન ગૌતમ ત્રિવેદીએ સમગ્ર ચર્ચાનું સંચાલન કર્યું હતું. આઈએમસીના પ્રેસિડેન્ટ રાજીવ પોદારે નિષ્ણાતોને પેનલ ચર્ચા માટે આવકાર્યા હતા અને ચર્ચામાં 350થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે એક રોકાણકાર તેમ જ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે દેશની હાલની પરિસ્થિતિ મૂંઝવી દે તેવી છે. એક તરફ દેશની અર્થવ્યવસ્થા કથળી રહી છે, જીડીપી ઘટી રહી છે, ઉદ્યોગોને ગંભીર ફટકો પડ્યો છે, ત્યારે દેશના અર્થતંત્રની સ્થિતિનો વરતારો આપનારાં શૅરબજારોનાં સૂચકાંકો ઊંચે ચઢી રહ્યાં છે. ભારતીય શૅરબજારોમાં આ વિરોધાભાસ છે. 
ચર્ચાનું સુકાન સંભાળતાં ગૌતમ ત્રિવેદીએ પેનાલિસ્ટ્સને સવાલો કર્યા હતા. નિષ્ણાતોએ પણ તેના સચોટ પ્રત્યુત્તર પાઠવ્યા હતા. 
બજારની વર્તણૂક વિશે આનંદ રાધાક્રિશ્નને જણાવ્યું કે શૅરબજાર બે બાબતો જુએ છે - એક, ટૂંકા ગાળાની વૃદ્ધિ અને બીજી ભાવિ વૃદ્ધિની અપેક્ષા. નિલેશ શાહે જણાવ્યું કે બજારની આ વર્તણૂક પાછળ લિક્વિડિટી વધી રહી હોવા સહિતનાં ઘણાં પરિબળો જવાબદાર છે. વિવિધ અસ્ક્યામતોમાં સુધારાનાં ભાવિ પગલાંના આશાવાદી અભિગમને આધારે વિવિધ અસ્ક્યામતોમાં કરાયેલાં રોકાણનું ઓછું વૈકલ્પિક વળતર વિકાસ માર્ગને બદલશે. પિરામિડના તળિયે નવાં રોકાયેલાં નાણાં છે, જે ફંડામેન્ટલ્સને કારણે નહીં પરંતુ ધસમસતા નાણાપ્રવાહને કારણે છે. આંકડા ભૂતકાળ દર્શાવે છે અને બજાર ભવિષ્ય તરફ મીટ માંડીને બેઠું છે. નવનીત મુનોટે કહ્યું કે અર્થવ્યવસ્થા મુક્ત બની રહી છે અને હાલની કટોકટીનું સમાધાન મળશે. મોટા ભાગની તેજી રિટેલ ઈન્વેસ્ટર્સની અૉનલાઈન એપ્સ દ્વારા જોવા મળે છે. મુનોટે સર જ્હોન ટેમ્પલ્ટનને ટાંકતાં જણાવ્યું કે બજાર નિરાશાવાદમાં જન્મે છે, સંશયવાદમાં વધે છે અને આશાવાદમાં ટકે છે અને અત્યંત ઉન્માદમાં તૂટે છે. બોન્ડ્સ, ગોલ્ડ અને ઈક્વિટી માર્કેટ એકની પાછળ એક વધી રહ્યાં છે. 
અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને સરકારને આવક ઊભી થાય તે માટે આનંદે સૂચવ્યું કે ઘર ખરીદનારને કરવેરામાં મોટી છૂટછાટો આપવાની જરૂર છે. આજે જે છૂટછાટો અપાઈ રહી છે તે ઘણી ઓછી છે. ઉપરાંત, સરકારે નોન-કોર રોકાણો સહિતનાં પોતાનાં રોકાણોનું વ્યૂહાત્મક ડિવેસ્ટમેન્ટ કરવું જોઈએ. નિલેશ શાહે સૂચવ્યું કે સરકારે પોતાની અસ્ક્યામતો વેચીને નાણાં એકઠાં કરવાં જોઈએ અને તે નાણાં લોકોને ખર્ચ માટે ઉપલબ્ધ કરાવવાં જોઈએ. લોકર્સ કે તિજોરીમાં બંધ પડેલું સોનું બહાર નીકળે અને ધોળાં નાણાં તરીકે અર્થતંત્રમાં ફરતું થાય તે માટે ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ ઘડવી જોઈએ. મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે વીજ ખર્ચ અને લોજિસ્ટિક્સના ખર્ચ ઘટે તેવાં પગલાં લેવાં જોઈએ. નવનીત મુનોટે ખાનગી ક્ષેત્રમાં વિશ્વાસ વધારવા માગને પ્રોત્સાહન મળે તેવાં પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો. 
નિષ્ણાતોની પસંદ અથવા નાપસંદ ધરાવતાં બે ક્ષેત્રો બાબતે નવનીતે જણાવ્યું કે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એનઆરઆઈ રોકાણકારો પાછા ફરે તેવાં પગલાં લેવાં જરૂરી છે. આઈટી ક્ષેત્ર ડિજિટલ અને વર્ચ્યુઅલ ઈકોનોમીમાં સારું કામ કરી રહ્યું છે. ગ્રામીણ ક્ષેત્રનું ચિત્ર પણ સારું છે. નિલેશે જણાવ્યું કે કેમિકલ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિ જોવા મળશે. આનંદે જણાવ્યું કે નાણાંકીય ક્ષેત્ર વર્ષ 2018 સુધી વિસ્તર્યું હતું. તે પછી મોટી કટોકટી અને કેટલીક નાણાં સંસ્થાઓ દબાણ હેઠળ આવ્યા બાદ હવે તેમાં ધીમી મજબૂતી જોવા મળી રહી છે.  
પ્રદીપ શાહે જણાવ્યું કે અર્થતંત્ર સામે ભારે અનિશ્ચિતતા હોવા છતાં નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે બજાર માટે આગળ ધપવાનાં કારણો છે. ઈક્વિટી માર્કેટ અને દેવાં બજારમાં કટોકટીનું જોખમ ઘટ્યું હોવા છતાં રોકાણકારે પોતાની સમજશક્તિ અને સાવધાની સાથે જ શૅરમાં રોકાણ કરવું જોઈએ.
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer