કોરોનાના ઉપદ્રવને પગલે બાયો મેડિકલ વેસ્ટનું પ્રમાણ વધ્યું

મુંબઈ, તા. 15 : મુંબઈમાં કોરોનાના દરદીઓની વધતી સંખ્યાને લીધે સપ્ટેમ્બર મહિનામાં બાયો મેડિકલ વેસ્ટ (જૈવ વૈદ્યકીય કચરો)નું પ્રમાણ 100 ટનનો આંકડો વટાવી ગયું છે. કોરોના પહેલાના સમયગાળા કરતાં 40 ટન વધારે બાયો મેડિકલ વેસ્ટ તૈયાર થઈ રહ્યું છે.
કોરોનાના દરદીઓની સંખ્યા વધવા માંડી પછી એપ્રિલમાં દરરોજ સરેરાશ 6.96 ટન બાયો મેડિકલ વેસ્ટ પેદા થતો હતો. મે માસમાં તે વધીને બમણો થયો હતો. બાદમાં જૂન મહિનામાં 30.37 ટન ઉપર પહોંચ્યો હતો. જોકે, બીજી તરફ આ સમયગાળામાં અન્ય તબીબી સારવાર અને શસ્ત્રક્રિયાનું પ્રમાણ ઓછું થવાને લીધે અન્ય બાયો મેડિકલ વેસ્ટ રાબેતા મુજબ કરતાં ઘટયો હતો. આ બાયો મેડિકલ વેસ્ટમાં પર્સનલ પ્રોટેકશન કિટ (પીપીઈ)ના વધતા પ્રમાણને લીધે અને આઈસોલેશન સેન્ટરમાં અન્ય નોન-બાયો મેડિકલ વેસ્ટ પણ ભેળવી દેવાતો હોવાથી તેનું પ્રમાણ વધવા માંડયું છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ મંડળે સુધારિત માર્ગદર્શિકા બહાર પાડી પછી બાયો મેડિકલ વેસ્ટ ઉપર પડતી તાણ ઘટી છે. તબીબી સારવારમાં વાપરવામાં આવતા તબીબી ઉપકરણોને લીધે સપ્ટેમ્બરમાં બાયો મેડિકલ વેસ્ટનું પ્રમાણ 103.58 ટન ઉપર પહોંચ્યું છે.
સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહથી ઈ-પાસના અંકુશો રદ કરવામાં આવ્યા હોવાથી ગત આઠ દિવસથી કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer