કંગનાએ પાલિકા પર માંડયો બે કરોડની નુકસાનીનો દાવો

મુંબઈ, તા. 15 (પીટીઆઈ) : અભિનેત્રી કંગના રનૌતે મુંબઈ મહાનગર પાલિકા પર રૂપિયા બે કરોડના વળતરનો દાવો માંડ્યો છે. તેણે મુંબઈ હાઈ કોર્ટમાં અમેન્ડેડ પિટિશન ફાઈલ કરી છે અને એમાં આ વળતરની માગણી કરાઈ છે. 
નવમી સપ્ટેમ્બરના પાલિકાએ કંગનાની બાંદરાસ્થિત અૉફિસમાંના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કર્યું હતું. કંગનાનું કહેવું છે કે આ ડિમોલિશન ગેકાયદે હતું અને એટલે તેણે પોતાની અૉફિસમાં થયેલા નુકસાનીના વળતરનો દાવો માંડ્યો છે. ડિમોલિશન ચાલતું હતું ત્યારે કંગના ચંડીગઢથી મુંબઈ આવી રહી હતી. 
ડિમોલિશન સામે કંગનાને મુંબઈ હાઈ કોર્ટે સ્ટે આપ્યો છે અને આ અરજીની સુનાવણી 22મી સપ્ટેમ્બરે થવાની છે.
અમેન્ડેડ પિટિશનમાં કંગનાએ કહ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર સામેના મારા નિવેદનોને પગલે પાલિકાએ ડિમોલિશનની આ કાર્યવાહી કરી છે. મે જે નિવેદનો કર્યા હતા એ સરકારમાના અમુક લોકોને અને ખાસ કરીને એક સત્તાધારી પાર્ટીને ગમ્યા નહોતા. શિવસેનાનું નામ લીધા વગર કંગનાએ કહ્યું હતું કે આ પાર્ટીનું મુંબઈ પાલિકામાં પણ શાસન છે.
કંગનાની સોસાયટીને પાલિકાએ નોટિસ ફટકારી 
અભિનેત્રી કંગનાની ઓફિસમાંના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવ્યા બાદ મુંબઈ પાલિકાએ આ ઓફિસ જે સોસાયટીમાં છે એ સોસાયટીને નોટિસ મોકલી છે. મંગળવારે ચેતક સોસાયટીને આ નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસ દ્વારા પાલિકાએ ચેતક સોસાયટી પાસેથી મેઈન મેમ્બરોની તથા કો-ઓપરેટિવ પાર્ટનરોની યાદી માગી છે. પાલિકાએ છેલ્લાં ત્રણ વર્ષમાં થયેલી માટિંગની વિગતો, ત્રણ વર્ષના એકાઉન્ટસની વિગતો પણ માગી છે 
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer