લદ્દાખના મુદ્દે વડા પ્રધાને દેશને ગેરમાર્ગે દોર્યો : રાહુલ

રાજનાથ સિંહના નિવેદન બાદ કૉંગ્રેસનો ગૃહત્યાગ
નવી દિલ્હી, તા. 15 : રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે અમે સરહદી વિસ્તારોમાં મુદ્દાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ચીની સંરક્ષણ મંત્રી સાથે રશિયામાં મુલાકાત કરી. તેમને કહ્યું કે અમે આ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છીએ છીએ પરંતુ અમે દેશની સંપ્રભુતાનાં રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ.
રાજનાથ સિંહે ચીનનાં કરતૂતો અંગે જણાવ્યું કે વર્તમાન સ્થિતિ અનુસાર ચીને એલએસીના આંતરિક ભાગમાં મોટી સંખ્યામાં સૈનિકો અને શત્રો જમા કર્યા છે. ચીનની કાર્યવાહીના જવાબમાં આપણી સેનાએ સંપૂર્ણ કાઉન્ટર તૈયારી કરી રાખી છે. ગૃહ નિશ્ચિંત રહે કે આપણી સેના આ પડકારનો સફળતાપૂર્વક સામનો કરશે. 
ભારત-ચીન સીમાએ તણાવના મુદ્દે લોકસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નિવેદન આવ્યા બાદ સરકારે વિપક્ષોને બોલવાનો સમય ન આપતા નારાજ કૉંગ્રેસના સભ્યોએ ગૃહત્યાગ કર્યો હતો અને લોકસભા પરિસરમાં ધરણા પર બેઠા હતા.
વડા પ્રધાને લદ્દાખમાં સીમા તણાવ સંબંધે દેશને ગેરમાર્ગે દોર્યો છે અને સરકાર આ સંબંધી ચર્ચાથી દૂર ભાગી રહી છે. એવો આક્ષેપ કૉંગ્રેસે કર્યો છે. કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજનાથ સિંહના નિવેદન બાદ આક્ષેપ કર્યો હતો કે ચીન-ભારતની બોર્ડરની સ્થિતિ વિશે વડા પ્રધાને દેશને ગેરમાર્ગે દોર્યો છે અને હવે સરકાર આની ચર્ચાથી દૂર ભાગી રહી છે, એ હવે સ્પષ્ટ થયું છે. સમગ્ર દેશ હંમેશાં દેશના સુરક્ષાદળો સાથે છે પરંતુ મોદીજી તમે ચીન સામે ક્યારે ઊભા રહેશો? એવો પ્રશ્ન રાહુલ ગાંધીએ કર્યો હતો.
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer