અૉક્સિજન ભરવાની અને પહોંચાડવાની સેવા 24 કલાક ચાલુ રાખવાનો આદેશ

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રમાં અૉક્સિજનનો પુરવઠો સરળતાથી મળતો રહે એ માટે ખાલી સિલિન્ડર કે ટેન્કરમાં અૉક્સિજન ભરવાની સુવિધા 24 કલાક ચાલુ રાખવાનો આદેશ ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પ્રધાન ડૉક્ટર રાજેન્દ્ર શિંગણેએ આપ્યો હતો. 
અૉક્સિજનના વિતરણમાં આવતી તકલીફોની જાણકારી મેળવવા ઉત્પાદકો સાથે સોમવારે યોજાયેલી બેઠકમાં ટ્રાન્સપોર્ટેશનમાં પડતી તકલીફોને કારણે અૉક્સિજનની અછત ક્યાંય સર્જાય નહીં એ માટે જરૂરી પગલાં લેવાનો આદેશ સંબંધિત વિભાગોને આપ્યા હતા. 
રાજ્યમાં અૉક્સિજનનો પુરવઠો પુષ્કળ હોવા છતાં ઉત્પાદકો અને વિક્રેતાઓ પાસે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા મર્યાદિત પ્રમાણમાં હોવાને કારણે પુરવઠો ઓછો પહોંચતો હોવાનું જણાયું હતું. આને પગલે સોમવારે પ્રધાને ઉત્પાદકો સાથે માટિંગ કરી હતી. 
ખાલી સિલિન્ડર કે ટેન્કરમાં અૉક્સિજન ભરવાનું કામ હાલ મર્યાદિત સમયમાં જ થાય છે જે ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવે. ઉત્પાદકો પાસેના મોટા ટેન્કરનો ઉપયોગ પણ સંબંધિત વિભાગ પાસે પરવાનગી લઈ મેડિકલ અૉક્સિજન કે લિક્વિડ અૉક્સિજનના ટ્રાન્સપોર્ટેશન માટે કરવામાં આવે. 
અમુક ઉત્પાદકોના નિયમો મુજબ રાત્રે 12થી સવારે પાંચ વાગ્યા દરમિયાન ટ્રાન્સપોર્ટેશન થતું નહોતું. પરંતુ અત્યારની કટોકટીને ધ્યાનમાં રાખી બે ડ્રાઇવર સાથે સેવા ચોવીસ કલાક ચાલુ રાખવા જણાવાયું છે. લિક્વિડ અૉક્સિજન લઈ જનાર ટેન્કર પહોંચ્યા બાદ તુરંત ખાલી કરી પાછું આવે એવી વ્યવસ્થા કરવી. ઉત્પાદકોએ ભાડાપટ્ટે વાહન કે ટેન્કર લઈ અન્ય ઉત્પાદકો પાસેનો પુરવઠો લઈ રીફાલિંગ સ્ટેશન કે હૉસ્પિટલમાં પહોંચાડી શકાય એવી વ્યવસ્થા કરવી. રાજ્યના અૉક્સિજનના ટેન્કર ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ અૉક્સિજનના ટેન્કર મેળવી અૉક્સિજનનો પુરવઠો પહોંચાડે. અન્ય ગેસના ટેન્કર પણ અૉક્સિજનના ટ્રાન્સપોર્ટેશન માટે ઉપયોગમાં લઈ શકાય કે નહીં એ અંગેની શક્યતા પણ ચકાસી જોવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer