તમારા સંતાન સાથે આવું (સુશાંત જેવું) થયું હોત તો..?

તમારા સંતાન સાથે આવું (સુશાંત જેવું) થયું હોત તો..?
કંગનાએ જયા બચ્ચનને આપ્યો સણસણતો જવાબ
મુંબઈ, તા. 15 : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પ્રકરણમાંના ડ્રગ એન્ગલનો મુદ્દો સંસદમાં પણ ગાજ્યો હતો. સોમવારે ભોજપુરી ફિલ્મના અભિનેતા અને ભાજપના સાંસદ રવિ કિસને ડ્રગ્સના સેવન બદલ બૉલીવૂડ પર નિશાન તાક્યું હતું. રવિ કિસનના વકતવ્યનો અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચને મંગળવારે જવાબ આપ્યો હતો અને બૉલીવૂડનો બચાવ કર્યો હતો. જયા બચ્ચનનાં જવાબથી નારાજ થયેલી કંગનાએ પણ તેમને સણસણતો જવાબ આપ્યો હતો. 
જયા બચ્ચને રવિ કિસનને જવાબ આપતા કહ્યું હતું કે મુઠ્ઠીભર લોકો માટે આખી ઈન્ડસ્ટ્રીને બદનામ ન કરી શકાય. સોમવારે ગૃહમાં એક સભ્ય (રવિ કિસન) બૉલીવૂડ વિશે જે બોલ્યા એનાથી મને દુ:ખ થયું છે. જે થાળી એ ખાય છે એમાં જ તેમણે છેદ કર્યો છે. ફિલ્મ ઉદ્યોગ પર સોશિયલ મીડિયામાં સતત પ્રહારો થઈ રહ્યા છે સરકાર તરફથી કોઈ ટેકો પણ નથી મળતો. 
આના જવાબમાં કંગનાએ ટ્વીટ કરીને જયા બચ્ચનને કહ્યું હતું કે જયાજી, તમારી દીકરી શ્વેતાને ટીનએજમાં કોઈએ ડ્રગ્સ આપ્યું હોત, તેની છેડછાડ કરી હોત અને તેને મારી નાખી હોત તો પણ તમે આવું જ બોલ્યા હોત? જો અભિષેકે સતત ગુંડાગીરી અને છેડતીની ફરિયાદ કરી હોત અને એક દિવસ અચાનક ફાંસો ખાધેલી અવસ્થામાં મળ્યો હોત તો પણ તમે આવું જ નિવેદન કર્યું હોત? અમારા માટે પણ દયા ખાઓ.
જયા બચ્ચનને સંજય રાઉતનો ટેકો 
સંસદમાં સમાજવાદી પાર્ટીના સભ્ય અને અભિનેત્રી જયા બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કરેલા બચાવને શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટેકો આપ્યો છે. તેમણે સવાલો કરતા કહ્યું હતું કે આમાં જયા બચ્ચન શું ખોટું બોલ્યાં?  ડ્રગ્સ કનેકશનમાં માત્ર મહારાષ્ટ્રનું જ નામ શા માટે લેવામાં આવે છે? 
તેમણે કહ્યું હતું કે જયા બચ્ચને આખા દેશની ભાવના સંસદ સમક્ષ મુકી હતી. આજે આખા બૉલીવૂડે મૌન ધારણ કર્યું છે. લોકોએ ચૂપ રહેવું એવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. 
`... કાર્યવાહી કરી શકાય એટલા પુરાવા મળ્યા નથી'
બોલીવૂડ તેમજ કૈફી દ્રવ્યોના વેપાર, વપરાશ અને હેરફેર વચ્ચેના સંબંધ અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે તે અંગે કાયદા તોડનારા કે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી લઈ શકાય એટલા સજ્જડ પુરાવા પ્રાપ્ત થયા નથી એમ સંસદમાં આજે કેન્દ્ર સરકાર તરફથી જણાવવામાં આવ્યું હતું.
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer