ચીનનો નવો પ્રોપગેંડા : મોક ડ્રીલમાં જે-20થી રાફેલને 17 વાર પાડી દીધું

ચીનનો નવો પ્રોપગેંડા : મોક ડ્રીલમાં જે-20થી રાફેલને 17 વાર પાડી દીધું
બાજિંગ, તા. 15 : ભારતના લડાયક વિમાન રાફેલથી ચીન કેટલું ડરે છે એ સાબિત થયું છે. ચીને દાવો કર્યો છે કે એક યુદ્ધઅભ્યાસમાં કથીત સ્ટીલ્થ ફાઈટર જે-20એ ફાઈટર પ્લેન રાફેલને 17-0થી માત આપી હતી. આ દાવા સાથે ચીનના સરકારી મીડીયા ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે આનાથી ફરી સિદ્ધ થાય છે કે જે-20 રાફેલ કરતાં કેટલું બહેતર છે. ચીની સૈન્યના મુખપત્ર પીપલ ડેલીનો ઉલ્લેખ કરીને ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે પીએલએના ભૂતપૂર્વ કમાન્ડર વાંગ હાઈ એક ગ્રુપથી જોડાયેલા યુવાન પાઈલોટ ચેન શિનહાઓએ સાથીદારો સાથે તાલમેલ કેળવીને વિરોધીના 17 ફાઈટર જેટ્સ પાડી નાખ્યા. આ દરમ્યાન ચીનના સૈન્યના કોઈ વિમાનને નુકસાન થયું નહીં. યુવાન પાઈલોટે નવા વિમાન જે-20ને ફક્ત 100 કલાક ઉડાડ્યું હતું. આમાં સવાલ  ઊભો થાય છે કે આવો શીખાઉ પાઈલોટ આધુનિક ફાઈટર પ્લેન સામે આટલો સારો દેખાવ કઈ રીતે કરી શકે. ચીનના દૈનિકે ભારતના સુખોઈ-30 એમકેઆઈનો ફોટો પણ લગાડ્યો હતો. જો ફોટો સુખોઈનો હોય તો ચીન કઈ રીતે કહી શકે કે જે-20એ રાફેલ વિમાનની વિરુદ્ધ યુદ્ધાભ્યાસ કર્યો. પીએલએ એર ફોર્સે વાંગ હાઈ એર ગ્રુપમાં જે-20 પ્લેનને સામેલ કર્યા હતા. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે જે-20 યુદ્ધના મેદાનમાં પણ આવું બહેતર પ્રદર્શન કરશે.  
ભારતીય એર ફોર્સના ભૂતપૂર્વ વડા બી. એસ. ધનોઆએ કહ્યું હતું કે ચીનના જે-20 રાફેલની સરખામણીમાં એટલું વામણું છે કે બન્નેની તુલના જ ન કરી શકે. રાફેલ પ્લેન જે-20ની તુલનામાં ઉચ્ચ કક્ષાનું છે. ઇલેકટ્રોનિક વોરફેર ટેક્નોલોજીમાં રાફેલ સર્વોત્તમ છે. આમાં મેટેઅર મિસાઈલ લાગ્યા છે જે રેડારના આધારે ચાલે છે. આમાં બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જના એર ટુ એર મિસાઈલ છે.
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer