ભારત-ચીન સરહદે તણાવ એલએસી પર યથાસ્થિતિ બદલવાની ચીનની હરકત નામંજૂર : રાજનાથ

ભારત-ચીન સરહદે તણાવ એલએસી પર યથાસ્થિતિ બદલવાની ચીનની હરકત નામંજૂર : રાજનાથ
નવી દિલ્હી, તા. 15 : ભારત-ચીન વચ્ચે સરહદે વ્યાપ્ત તણાવ મામલે મોદી સરકાર ચર્ચા કરવાથી કેમ દૂર ભાગી રહી છે ? તેવા સવાલ સાથે વિપક્ષ કોંગ્રેસના વોકઆઉટ વચ્ચે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સંસદમાં નિવેદન આપ્યું કે આપણા જવાનોનો જુસ્સો બુલંદ છે. ચીનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. તેમણે ચીનની એલએસી પર યથાસ્થિતિ બદલવાના એકતરફા પ્રયાસ કોઈ કાળે મંજૂર ન હોવાનો કડક સંદેશો આપ્યો હતો.
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચાલી રહેલા તણાવ વચ્ચે વિપક્ષો સરકારનાં નિવેદનની માગ કરી રહ્યા હતા ત્યારે રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું કે સરહદે ભારતના જવાનો પૂરી તૈયારી સાથે તૈયાર છે. તેમણે ચીનને વાતચીતનો પ્રસ્તાવ આપતા કહ્યું કે જો સરહદે ચીન કોઈ હરકત કરશે તો આપણા જવાનો યોગ્ય જવાબ આપશે. 
લદ્દાખમાં મુશ્કેલ દૌર અને હાલ દેશના જવાનોની સાથે ઉભા રહેવાનો સમય હોવા પર ભાર મૂકતા કહ્યું કે સેના માટે ખાસ શત્ર-સરંજામની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના રહેવા માટે તમામ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લદ્દાખમાં આપણે એક પડકારજનક સમયનો સામનો કરી રહ્યા છીએ. આ સમય છે કે ગૃહ પોતાના જવાનોને વિરતાનો અહેસાસ કરાવતાં તેમને એક સંદેશો આપે કે સમગ્ર ગૃહ તેમની સાથે ઉભું છે. વર્તમાન પરિસ્થિતિ પહેલાથી અલગ છે. આપણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છીએ જ્યારે પણ દેશ સમક્ષ કોઈ પડકાર ઉભો થયો છે આ ગૃહે સેના પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે. આપણા જવાનોનો જોશ અને ઉત્સાહ બુલંદ છે.
Published on: Wed, 16 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer