બોલીવુડની બબાલ સંસદમાં

બોલીવુડની બબાલ સંસદમાં
ડ્રગ્સના મુદ્દે જયા બચ્ચન, રવિ કિશન અને કંગના વચ્ચે વાક્યુદ્ધ
જે થાળીમાં ખાવું તેમાં જ થૂંકવું અયોગ્ય
તમારો દીકરો લટકતો મળે તો ય આવું જ કહેશો?
આનંદ કે. વ્યાસ તરફથી
નવીદિલ્હી, તા.1પ : સુશાંતાસિંહ રાજપૂતનાં અપમૃત્યુ પછી બહાર આવેલી બોલિવૂડની નશાખોરીની બબાલ આજે ફરી એકવાર સંસદમાં ગૂંજી હતી. સોમવારે લોકસભામાં ભાજપના સાંસદ રવિ કિશને આ મુદ્દે નિવેદન કર્યુ હતું અને તેનાં ઉપર આજે સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચનની પ્રતિક્રિયા આવી હતી. જયા બચ્ચને આને ફિલ્મ ઉદ્યોગને બદનામ કરવાની સાજિશ ગણાવતાં કોઈનું નામ લીધા વિના અભિનેત્રી કંગના રણૌત અને રવિ કિશન ઉપર નિશાન સાધ્યું હતું. શૂન્યકાળમાં નોટિસ આપીને જયા બચ્ચને કહ્યું હતું કે, જે થાળીમાં ખાધું તેમાં જ કેટલાંક લોકો થૂંકવાનું કામ કરી રહ્યા છે. જેનાં ઉપર કંગના અને રવિ કિશનની તીખી પ્રતિક્રિયાઓ આવી હતી અને ભાજપે પણ જયા બચ્ચન ઉપર વળતો હુમલો બોલાવી દીધો હતો. અત્યાર સુધી ફિલ્મ ઉદ્યોગના લોકો સુશાંતની મોતની તપાસના મામલામાં રોજેરોજ એક પછી એક આવી રહેલા તાનપલટા વિશે બોલીવુડે મૌન સેવી રાખ્યું હતું. પણ જયા બચ્ચને સંસદમાં કરેલા બચાવ બાદ બોલીવુડમાં બે તડાં પડી ગયાં છે. 
રાજ્યસભામાં બોલતા જયા બચ્ચને કહ્યું કે, જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાયું તેને જ હવે તેઓ ગટર ગણાવી રહ્યા છે. હું આની સાથે બિલકુલ સહમત નથી. તેમણે આગળ કહ્યું કે, અત્યારે સરકારે મનોરંજન જગત સાથે ઉભા રહેવું જોઈએ કારણ કે ઈન્ડસ્ટ્રી દરવખતે સરકારની મદદ માટે ઉભી રહે છે. જયાએ આગળ કહ્યું કે, મને લાગે છે કે આ અત્યંત મહત્વનું છે કે સરકાર અત્યારે ઈન્ડસ્ટ્રીનો સાથ આપે. અમુક લોકો ખરાબ હોવાનાં કારણે તેની હત્યા ન થવી જોઈએ. આપ આખી ઈન્ડસ્ટ્રીની છબિ ખરાબ કરી ન શકો. હું કાલે ખૂબ જ શર્મિંદા ત્યારે થઈ જ્યારે લોકસભામાં આપણા એક સદસ્યે, જે ઈન્ડસ્ટ્રીનાં જ છે તેમણે જ ફિલ્મજગતની ખિલાફ નિવેદન કર્યુ. આ શર્મનાક છે અને જે થાળમાં ખાવું તેમાં જ થૂંકવું ખોટી વાત છે.  
જયાનાં બયાનથી ચકચાર ફેલાતા સાથે જ કંગના રણૌતે પણ પોતાનાં નામનો કોઈ ઉલ્લેખ ન હોવા છતાં પોતાનાં અંદાજમાં આક્રમક પ્રતિક્રિયા આપી હતી. કારણ કે કંગનાએ જ બોલિવૂડને એક ટ્વિટમાં ગટર ગણાવ્યું હતું. જયાનાં નિવેદન પછી કંગનાએ આજે કહ્યું કે, જયાજી મારી જગ્યાએ જો તમારી દીકરી શ્વેતાને તુરણાવસ્થામાં પીટવામાં આવી હોત, ડ્રગ્સ અપાયું હોત અને શોષણ થયું હોત ત્યારે પણ તમે આવું જ કહેત? જો અભિષેકનો સતત હુરિયો બોલતો હોત અને શોષણની વાત કરીને એક દિવસ તે ફાંસીએ ટીંગાયેલા મળ્યા હોત ત્યારે પણ આવી જ વાત તમે કરી હોત? થોડી હમદર્દી અમારા પ્રત્યે પણ દેખાડો.  
તો લોકસભામાં ડ્રગ્સનો મામલો ઉઠાવનાર રવિ કિશને પણ જયા બચ્ચનને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, મને લાગ્યું હતું કે મે જે કંઈ કહ્યું તેને જયાજી સમર્થન આપશે. ઈન્ડસ્ટ્રીમાં દરેક લોકો ડ્રગ્સ નથી લેતા પણ કેટલાંક લોકો દુનિયાનાં સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગને તબાહ કરવાની યોજનાનો હિસ્સો છે. હું પોતાની બનાવેલી થાળીમાં થૂંકતો નથી. મેં બોલિવૂડમાં ડ્રગ્સનાં દૂષણની વાત કરી હતી અને જયા બચ્ચનનાં નિવેદનથી હું હેરાન છું.  
Published on: Wed, 16 Sep 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer