રમકડાં એકમોને બીઆઈએસ માટે 31 ડિસેમ્બર સુધીનો સમય અપાયો

`જન્મભૂમિ' પત્રોના અહેવાલનો પડઘો
સૈફી રંગવાલા તરફથી
મુંબઈ, તા. 16 : સ્વદેશી રમકડાં ઉદ્યોગની તદ્દન સાચી માંગણીને સ્વીકારવામાં આવી છે. કેન્દ્ર સરકારે સ્વદેશી રમકડાં ઉદ્યોગને ફરજિયાત બીઆઈએસ હેઠળ ઉત્પાદન કરવાની સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર '20 સુધી લંબાવી દીધી છે.
સરકારના 15 સપ્ટેમ્બર '20 (મંગળવાર) સાંજે જારી કરાયેલ નોટિફિકેશન પ્રમાણે 1 જાન્યુઆરી '21 પછી તમામ સ્વદેશી (ભારતમાં ઉત્પાદિત) રમકડાં માત્ર બીઆઈએસ માનક પ્રમાણેના બનાવીને વેચી શકાશે. જે યુનિટો આ પ્રક્રિયાની સુવિધા ઊભી કરવામાં નિષ્ફળ જશે, તેમને ઉત્પાદન બંધ કરવું પડશે, એમ ઉદ્યોગ સૂત્રોએ જણાવ્યું છે. મુંબઈ અને ગુજરાતનાં રમકડાં ઉત્પાદકોએ બીઆઈએસ સમય મર્યાદા વધારવાના નિર્ણયને આવકાર્યો છે. અૉલ ઇન્ડિયા ટોયઝ મેન્યુફેક્ચરર ઍસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ જુઝર ગબાજીવાલાએ જણાવ્યું છે કે `બીઆઈએસ રમકડાં તૈયાર કરવા માટેના ખર્ચને ધ્યાને લેતા સ્વદેશી રમકડાંની કિંમતમાં 10થી 15 ટકાનો વધારો થવાની સંભાવના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાપારે ગત જુલાઇની શરૂઆતથી બીઆઈએસએ સમયમર્યાદા વધારવાની ઉદ્યોગની સાચી માગને બુલંદ કરી હતી. જેને આખરે કેન્દ્ર સરકારે સ્વીકારી છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer