માર્ગ અકસ્માતમાં ઘવાયેલાઓને તાકીદે સારવાર માટે વીમા યોજના

મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સ્વ. બાળાસાહેબ ઠાકરે માર્ગ અકસ્માત વીમા યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ મળેલી પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે રાજ્ય આરોગ્ય ગેરેન્ટી સોસાયટીને અનુદાન ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે. તે હેતુ સર વીમા કંપનીની પસંદગી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં રસ્તા ઉપર થયેલા અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને તેનો લાભ મળશે.  તે વ્યક્તિ કોઈ પણ દેશ કે રાજ્યની  હોય તો પણ તેને આ યોજના હેઠળ તબીબી સારવારનો લાભ મળશે. અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવરમાં તાકીદે આર્થિક  અને તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા આ યોજના ઉપયોગી નીવડશે.
આ યોજના હેઠળ ઘાયલોને 72 કલાક સુધી નજીકની હૉસ્પિટલમાં 74 પ્રકારની અને 30,000 રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે અપાશે. તેમાં આઈસીયુ, ફ્રેક્ચર, હૉસ્પિટલમાં રોકાણ અને ભોજન વગેરે ખર્ચનો સમાવેશ થશે. જોકે, ઔદ્યોગિક અકસ્માત, રોજબરોજના જીવનમાં થતા અકસ્માત અથવા રેલવે અકસ્માતનો આ યોજનામાં સમાવેશ કરાયો નથી. આ યોજનાની ફરિયાદ નોંધાવવા માટે ટોલ ફ્રી નંબર શરૂ કરાશે.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં સરેરાશ 13,000 જણાં મૃત્યુ પામે છે અને 40,000 જણાં ઘાયલ થાય છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer