કેન્દ્રની નીતિ ખેડૂત વિરોધી હોવાથી કાંદાની નિકાસબંધી : રાષ્ટ્રવાદી

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : કેન્દ્રમાં ભાજપના વર્ચસ હેઠળની એનડીએ સરકાર દ્વારા કાંદાની નિકાસ ઉપર બંધી લાદવાના નિર્ણયને પગલે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેની `ખેડૂત વિરોધી' કહીને ટીકા કરી છે.
પવારે કેન્દ્ર સરકારની ટીકા કરતાં જણાવ્યું છે કે આ નિર્ણય ભૂલ ભરેલી છે. કોરોનાના ઉપદ્રવને કારણે મુસીબતમાં મુકાયેલા ખેડૂતોની મુશ્કેલી વધારવા જેવો આ નિર્ણય કરવાનું `પાપ' કેન્દ્ર સરકારે કર્યું છે.
મહારાષ્ટ્રના મહેસૂલ પ્રધાન અને કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું કે કાંદાની નિકાસ ઉપર  બંધી લાદવાને કારણે તેના ભાવમાં કડાકો બોલી ગયો છે. આ નિકાસબંધીનો નિર્ણય પાછો ખેંચી લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે ખેડૂતોને થયેલા અન્યાય સામે લડત ચલાવવાનું ચાલુ રાખીશું.
બંધી ઉઠાવવા મહારાષ્ટ્ર સરકાર અને ભાજપના કેન્દ્રને પત્રો
કેન્દ્ર સરકાર કાંદાની નિકાસ ઉપરની બંધીનો નિર્ણય પાછો ખેંચી લે એવી વિનંતી કરતો પત્ર ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે કેન્દ્રના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને લખ્યો છે. ફડણવીસે પત્રમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રના કાંદાની આંતરરાષ્ટ્રીય સ્તરે માગ હોય છે. તેમાં મહારાષ્ટ્રના ખેડૂતોને વ્યાજબી કિંમત મળે છે. નિકાસ બંધીને કારણે મહારાષ્ટ્રના ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે એમ છે. તેથી ખેડૂતોમાં નારાજગી છે. તેથી કેન્દ્ર સરકારે તે અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
કેન્દ્ર સરકાર કાંદાની નિકાસ ઉપર મૂકવામાં આવેલી બંધી ઉઠાવી લે એ માટે મહારાષ્ટ્ર સરકાર પત્ર લખીને વિનંતી કરશે, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જણાવ્યું હતું.
કેબિનેટની બેઠકમાં નાગરિક પુરવઠા ખાતાના પ્રધાન સચિવ અનુપકુમારે માહિતી આપી હતી કે વર્ષ 2018-19માં 21.83 લાખ ટન તેમ જ વર્ષ 2019-20માં 18.50 લાખ ટન કાંદાની નિકાસ કરવામાં આવી હતી.
જાહેર બાંધકામ પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે જેએનપીટીમાં હાલ ચાર લાખ ટન કાંદા પડયા છે. બાંગલાદેશ અને નેપાળની સીમા ઉપર 500 ટ્રક અટવાઈ પડયા છે.
Published on: Thu, 17 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer