ઇન્ટરનેશનલ કોર્ટમાં વોડાફોનની ભારત સરકાર સામે જીત

ઇન્ટરનેશનલ કોર્ટમાં વોડાફોનની ભારત સરકાર સામે જીત
રૂ. 20,000 કરોડ ટૅક્સનો કેસ
કંપનીને $ 54.7 લાખનું વળતર આપવાનો આદેશ 
નવી દિલ્હી, તા. 25 (એજન્સીસ) : વોડાફોન જૂથ સામે ભારતના ટેક્સ વિભાગે અગાઉની તારીખથી રૂ. 20,000 કરોડની કરેલી માંગણી સામે હેગ સ્થિત પરમેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં લાંબા સમયથી ચાલી રહેલા કેસમાં વોડાફોનની જીત થઇ છે. કોર્ટે શુક્રવારે વોડાફોનની તરફેણમાં ચુકાદો આપ્યો હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. 
ઇન્ટરનેશનલ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે કર, તેના પર વ્યાજ અને પેનલ્ટી લગાવવાનું ભારતીય ટેક્સ વિભાગનું વલણ ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે થયેલી બાઈલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી સમજુતીનો ભંગ કરે છે.
આ સમજૂતીમાં ન્યાયી અને સમાન વલણની બાહેંધરી આપવામાં આવી છે. 
હેગ સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટે ભારત સરકારને વોડાફોન પાસેથી ટેક્સની વસુલાત ન કરવા જણાવ્યું હતું. સાથે જ કાનૂની ખર્ચના આંશિક ભાગરૂપે 54.7 લાખ ડોલર કંપનીને ચૂકવવાનો આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 
ભારતની સુપ્રીમ કોર્ટે 2012માં કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો એ પછી આ એની બીજી જીત છે એમ વોડાફોન ઇન્ટરનેશનલ હોલ્ડિગ્સ ના વરિષ્ઠ વકીલ અનુરાધા દત્તે કહ્યું હતું. 
`આખરે વોડાફોનને ન્યાય મળ્યો છે' એમ તેમણે કહ્યું હતું. 
ભારતે 2012માં તેના કરવેરાના કાયદાઓમાં ફેરફાર કર્યા હતા જેને કારણે એ તારીખ પહેલા થયેલા સોદાઓ પર પણ ટેક્સ વસુલવાની સરકારને છૂટ મળી હતી. 2007માં વોડાફોને હચીસન એસારની ભારતમાંની મોબાઈલ એસેટ્સ ખરીદી હતી. આ સોદા પર સરકારે ટેક્સની માગણી કરી હતી જે કંપનીએ નકારી હતી. સુપ્રીમ કોર્ટે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો એ પછી કાયદામાં ફેરફાર કરાયા હતા.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer