સુશાંતની હત્યા થઈ હતી એવું મને એઈમ્સના ડૉક્ટરે કહ્યું છે : પરિવારના વકીલનો દાવો

નવી દિલ્હી, તા. 25 : અભિનેતા સુશાંત સિંહ રાજપુત પરિવારના વકીલ વિકાસ સિંહે શુક્રવારે એવો દાવો કર્યો હતો કે સુશાંતના કેસમાં ફૉરેન્સિક ટેસ્ટ કરવા એમ્સે બનાવેલી ડોક્ટરોની ટીમમાંના એક ડૉક્ટરે મને એમ કહ્યું છે કે સુશાંતે ગળે ફાંસો ખાઈ અપઘાત કર્યો નહોતો, પણ તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હતી. 
તેમણે કહ્યું હતું કે આ ડૉક્ટરે સુશાંતના મૃતદેહના ફોટા જોયા હતા અને એના પરથી તેમણે તારણ કાઢ્યું હતું કે તેને ગળે ટૂંપો આપવામાં આવ્યો હતો. ડોક્ટરે આની જાણ મને ઘણા વખત પહેલા કરી હતી. સીબીઆઈ સુશાંતના કેસની તપાસ હત્યાના કેસ તરીકે ન હોવાથી નિરાશા થઈ રહી છે. 
તેમણે કહ્યું હતું કે સુશાંત કેસમાં સીબીઆઈની તપાસ અચાનક ધીમી પડી ગઈ છે અને ડ્રગ સ્કેન્ડલ તરફ તપાસને વાળવામાં આવી છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો બોલીવુડના સ્ટાર માટે ફેશન પરેડનું સ્થળ બની ગયું હોય એવું લાગે છે. અત્યારે આ કેસ કઈ દિશા તરફ જઈ રહ્યો છે એની અમને ખબર નથી. સામાન્ય રીતે કોઈ પણ કેસની તપાસ દરમિયાન સીબીઆઈ પ્રેસને બ્રિફ કરતી હોય છે, પણ સુશાંત કેસમાં આવી પ્રેસ બ્રાફિંગ થઈ નથી અને આ એક ગંભીર બાબત છે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer