વેપારીઓને આ મોસમમાં બીજીવાર ભારે વરસાદથી નુકસાન વેઠવું પડયું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : માર્ચથી અમલમાં મુકાયેલ લૉકડાઉન, ત્યાર બાદ ઓગસ્ટમાં પડેલા મૂશળધાર વરસાદના પાણી દુકાનોમાં ભરાતા થયેલા નુકસાનનો માર સહન કરનારા હિંદમાતા વિસ્તારના વેપારીઓને મંગળવારે પડેલા ભારે વરસાદે નુકસાનીનો ત્રીજો આંચકો આપ્યો હતો. આ વિસ્તારના મોટા ભાગની દુકાનોમાં પાણી ભરાતા વેપરીઓને માલનું ભારે નુકસાન પહોંચ્યુ છે. છેલ્લા છ મહિનાથી ધંધો થયો ન હોવાથી દુકાનનું ભાડું, નોકરોનો પગાર, લોનના હપ્તાના ભાર નીચે દબાયેલા વેપારીઓને વરસાદને કારણે બીજીવાર નુકસાન ભોગવવું પડ્યું. 
ઓગસ્ટ મહિનામાં સતત બે દિવસ પડેલા ભારે વરસાદને કારણ શહેરમાં મોટાપાયે પાણી ભરાયા હતા. મંગળવારે રાત્રે પણ મૂશળધાર વરસાદ વરસવાની શરૂઆત થઈ. આને કારણે શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા. હિંદમાતા, દાદર ટીટી, પરેલ, તાતા માર્કેટ, દાદાસાહેબ ફાળકે રોડ વગેરે સ્થળોએ કમર સમાણા પાણી ભરાયા હતા. તો આ વિસ્તારની દુકાનોમાં ઘૂંટણ જેટલા પાણી ભરાયા હતા. મંગળવારે મધરાતે પાણી ભરાતા વેપારીઓને માલ ખસેડવાનો પણ મોકો ન મળતા અહીંની દુકાનોમાંનો સાડીઓ, ડ્રેસ મટિરિયલ, કાપડ વગેરેનું ભારે નુકસાન વેઠવું પડ્યું. 
લગ્નસરા માટે લૉકડાઉન પહેલાં માલ ભર્યો હતો એ જેમનો તેમ પડ્યો હતો. મધરાતે આવી સામાન ખસેડવો શક્ય ન હોવાથી લગભગ 10થી 15 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ઓગસ્ટમાં પણ એટલું જ નુકસાન વેઠવું પડ્યું હોવાનું એક વેપારીએ જણાવ્યું. આ વરસે તો એક-બે નહીં ત્રણ-ત્રણ વાર નુકસાની વેઠવી પડી હોવાથી ભવિષ્યમાં કેટલી દુકાનો બંધ થશે એ કહી શકાય નહીં, એમ એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું. 
ભારે વરસાદમાં દુકાનોમાં પાણી ભરાતા હોવાથી એકાદ ફૂટ ઉંચે કપડા મુકાતા હોવાથી એ ભીંજાતા નથી, પરંતુ આ વરસે દુકાનમાં બે ફૂટ પાણી ભરાયા હતા. ઓગસ્ટમાં દોઢેક લાખ રૂપિયાનું નુકસાન સહ્યું હતું તો મંગળવારે પડેલા વરસાદને કારણે 4-5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું રોનક ટેક્સટાઇલના માલિકે જણાવ્યું હતું.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer