કંગનાની અૉફિસમાં પહેલેથી હતું એ બાંધકામ શા માટે તોડ્યું?

કંગનાની અૉફિસમાં પહેલેથી હતું એ બાંધકામ શા માટે તોડ્યું?
હાઈ કોર્ટે મુંબઈ પાલિકાને પૂછ્યો પ્રશ્ન
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 25 : અભિનેત્રી કંગના રનૌતની બાન્દરા સ્થિત અૉફિસમાં પહેલાથી અસ્તિત્વમાં હતું એ બાંધકામ કે પછી જે બાંધકામ ચાલુ હતું એ તોડ્યું હતું એવો સવાલ મુંબઈ હાઈ કોર્ટે શુક્રવારે મુંબઈ મહાનગર પાલિકાને પૂછ્યો હતો. 
કોર્ટને એ જાણવું હતું કે મુંબઈ મ્યનિસિપલ કૉર્પોરેશન ઍક્ટની 354અ કલમ હેઠળ કોઈ પણ બાંધકામ કાયદેસરનું હોય કે ગેરકાયદે એ નોટિસ અપાઈ એ પહેલા અસ્તિત્વમાં હતુ કે નહીં. આ કલમ હેઠળ જે બાંધકામ ચાલુ હોય એ જ અટકાવી શકાય છે કે કેમ. 
કંગનાએ તેની અમેન્ડેડ પિટિશનમાં જાન્યુઆરી 2020માં ઓફિસમાં કરવામાં આવેલી પૂજાના ફોટા જોડ્યા છે. એ ઉપરાંત અલ ડેકોર મેગેઝિનના એપ્રિલ-મે 2020 અંકની તસવીરો પણ કોર્ટને આપી છે. એમાં ડિમોલિશન કરવામાં આવેલા બાંધકામો અસ્તિત્વમાં હોવાનું દેખાય છે. કંગનાએ આ ફોટાના આધારે એવી દલીલ કરી છે કે ગેરકાયદે બાંધકામ ચાલુ હતું એવો પાલિકા આક્ષેપ સદંતર ખોટો છે. મેં મારી ઓફિસમા કોઈ ગેરકાયદે બાંધકામ કર્યું નહોતું અને જે બાંધકામ હતું એ ડિમોલિશનની કાર્યવાહી પહેલા અસ્તિત્વમાં હતું. પાલિકાએ નોટિસ આપી ત્યારે વોટર પ્રુફિંગનું કામ ચાલુ હતું અને એ માટેની પાલિકાની મંજૂરી મારી પાસે હતી. 
કંગનાના વકિલે કહ્યું હતું કે પાલિકાએ કોર્ટમાં જે ડિજિટલ ફોટા રજૂ કર્યા છે એના પર કોઈ તારીખ નથી. માત્ર જે નોટ સબમીટ કરાઈ છે એના પર પાંચ સપ્ટેમ્બરની તારીખનો ઉલ્લેખ છે.   
આને પગલે આ ફોટો કોણે પાડ્યા છે એ વ્યક્તિનો મોબાઈલ ફોન કોર્ટમાં રજૂ કરવાનું કોર્ટે પાલિકાને જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે અમે ફોટા જોઈને જ ચકાસણી કરી શકીશું કે પાંચ તારીખે બાંધકામ ચાલુ હતું કે કેમ. જાન્યુઆરી 2020થી આ બાંધકામો અસ્તીત્વમાં હતા કે કેમ એની માહિતી આગામી સુનાવણીમાં આપવાનું પણ કોર્ટે કંગનાના વકિલને સુચના આપી હતી. 
કોર્ટે કહ્યું હતું કે પાલિકાએ તેના સોગંદનામાં એમ કહ્યું છે  ગ્રાઉન્ડ ફ્લોરમાં એન્ટ્રન્સની જગ્યા બદલવામાં આવી હતી, પણ ગ્રાઉન્ડ ફ્લોર પર અનેક બાંધકામ તોડાયા છે. એટલે અમારું કહેવું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધકામ ચાલુ નહોતું તો ત્યાં તોડકામ શા માટે કરાયું.  કંગનાના વકિલે કહ્યું હતું કે મારી અસીલે મહારાષ્ટ્ર સરકાર સામે ન ગમે અવી ટિપ્પણી કરી હતી એને પગલે તેની ઓફિસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. 
પાલિકાએ નવમી સપ્ટેમ્બરના કરેલી ડિમોલિશનની કાર્યવાહીને ગેરકાયદે જાહેર કરવાની માગણી કંગનાએ કરી છે. આ ઉપરાંત પાલિકા પાસેથી રૂ. બે કરોડનું વળતર માગ્યું છે.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer