દિગ્ગજ ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની ચિરવિદાય

દિગ્ગજ ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની ચિરવિદાય
બે મહિના કોરોના સામે જંગ લડી 74 વર્ષની વયે દુનિયાને કરી અલવીદા
નવી દિલ્હી, તા. 25 : દીદી તેરા દેવર દીવાના જેવા ગીતના ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું નિધન થયું છે. એસપી બાલાસુબ્રમણ્યમે શુક્રવારે દુનિયાને અલવીદા કીધી હતી. તેમની વય 74 વર્ષ હતી. બાલાસુબ્રમણ્યમના નિધનથી પુરી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી ગમગીન થઈ છે. તેઓએ હિન્દી સિનેમાને એકથી એક ચડિયાતા ગીત આપ્યા છે. 
બાલાસુબ્રમણ્યમના ગીતોએ સલમાન ખાનને ઓળખ અપાવી છે. બાલાસુબ્રમણ્યમના જે ગીત સલમાન ખાન ઉપર ફિલ્માવવામાં આવ્યા છે તે તમામ હિટ થયા છે. પહેલા પહેલા પ્યાર, મેરે રંગમાં રંગને વાલી, ધિકતાના-ધિકતાના, મેરે જીવન સાથી, મુજસે જુદા હોકર, આજા શામ હોને આઈ, હમ બને તુમ બને વગેરેનો તેમાં સમાવેશ થાય છે. છેલ્લા અમુક દિવસથી બાલાસુબ્રમણ્યમની તબિયત ઠીક નહોતી. તેમને લાઈફ સપોર્ટ ઉપર રાખવામાં આવ્યા હતા. એસપી પાંચ ઓગષ્ટના રોજ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યારબાદ ચૈન્નઈની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 13 સપ્ટેમ્બરના રોજ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બાલાસુબ્રમણ્યમે સોશિયલ મીડિયા ઉપર વીડિયો શેર કરીને કહ્યું હતું કે, તેઓમાં કોરોના વાયરસના હળવા લક્ષણ છે. બાલાસુબ્રમણ્યમના નિધનને લઈને એ.આર રહેમાન, ઉર્મિલા માતોંડકર, રિતેશ દેશમુખ, અક્ષય કુમાર, રવીના ટંડન સહિતના કલાકારોએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. 
16 ભાષામાં 40,000 ગીત
60ના દશકમાં કારકિર્દીની શરૂઆત કરનારા બાલાસુબ્રમણ્યમે ઘણા ગીત ગાયા છે અને ચાહકોના દિલમાં જગ્યા બનાવી છે. માનવામાં આવે છે કે બાલાસુબ્રમણ્યમે 40,000 જેટલા ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. જે એક વિક્રમ છે અને ગિનિઝ બૂક ઓફ રેકોર્ડમાં નોંધાયો છે. આ 40,000 ગીત 16 ભાષાઓમાં ગાવામાં આવ્યા છે. 
અલગ અલગ એવોર્ડથી સન્માન
બાલાસુબ્રમણ્યમને પ્લેબેક સિંગિંગ માટે 6 વખત નેશનલ ફિલ્મ એવોર્ડ મળી ચૂક્યા છે. આ તમામ એવોર્ડ હિન્દી, તમિલ, તેલૂગુ અને કન્નડ ગીત માટે મળ્યા છે. આ ઉપરાંત બોલીવૂડ ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જ્યારે પદ્મ શ્રી, પદ્મ ભૂષણ એવોર્ડ પણ મળી ચૂક્યા છે.
12 કલાકમાં 21 ગીત રેકોર્ડ કર્યા
એક વખતમાં 21 ગીત રેકોર્ડ કરવાનો વિક્રમ પણ બાલાસુબ્રમણ્યમના નામે છે. દક્ષિણ ભારતના સંગીતકાર ઉપેન્દ્ર કુમાર માટે તેઓએ એક દિવસ નહીં પણ માત્ર 12 કલાકમાં 21 ગીત રેકોર્ડ કર્યા હતા.
Published on: Sat, 26 Sep 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer