મુંબઈ સામેનાં મૅચની કલાકો પૂર્વે કોલકાતાનનું સુકાનીપદ છોડતો દિનેશ કાર્તિક

મુંબઈ સામેનાં મૅચની કલાકો પૂર્વે કોલકાતાનનું સુકાનીપદ છોડતો દિનેશ કાર્તિક
ક્રિકેટજગતમાં આશ્ચર્ય : હવે ટીમની જવાબદારી મોર્ગનનાં શિરે
દુબઈ, તા. 16 : પોતાનાં કંગાળ પ્રદર્શનને પગલે દિનેશ કાર્તિકે કોલકાતા નાઇટ રાઇડર્સનું કપ્તાપદ છોડી દીધું છે અને હવે ઈંગ્લેન્ડનો બેટ્સમેન ઓયન મોર્ગન ટીમની જવાબદારી સંભાળશે. દિનેશ કાર્તિકે કેકેઆર મેનેજમેન્ટને જણાવ્યું કે તે હવે બાટિંગપર વધુ ફોકસ કરીને ટીમને મજબૂત કરવા માગે છે. 
દિનેશ કાર્તિકે કેપ્ટન્સી છોડવાનો નિર્ણય આજે મુંબઈ ઈન્ડિયન્સની સામેનાં મેચના અમુક કલાકો પહેલા જ લઈને ક્રિકેટજગતમાં ભારે આશ્ચર્ય સર્જ્યુ હતું. કાર્તિકે કેપ્ટન્સી છોડવાના નિર્ણય વિશે કેકેઆરના સીઇઓ વેંકી મૈસૂરીને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે આવો મોટો નિર્ણય લેવા માટે હિંમતની જરૂર હોય છે. તેઓએ કહ્યું કે, અમે દિનેશ કાર્તિકના નિર્ણયથી હેરાન છીએ. પરંતુ અમે તેમના નિર્ણયનું સન્માન કરીએ છીએ. દિનેશ કાર્તિકે હંમેશા પહેલા ટીમ માટે વિચાર્યું છે. 
આઇપીએલની હાલની સીઝનમાં દિનેશ કાર્તિકનું પ્રદર્શન સારું નથી રહ્યું. આરસીબી વિરુદ્ધની મેચમાં કાર્તિક માત્ર એક રન કરીને આઉટ થઈ ગયો હતો. અત્યાર સુધી તેણે 7 ઇનિંગમાં માત્ર 107 રન કર્યા છે. તેમાં માત્ર એક અડધી સદી સામેલ છે. કદાચ આ જ કારણ છે કે તે હવે કેપ્ટન્સી છોડીને પોતાની બાટિંગ પર ફોકસ કરશે. 
ઓયન મોર્ગન ઈંગ્લેન્ડની વનડે ટીમનો કેપ્ટન છે. ગયા વર્ષે મોર્ગનની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. મોર્ગનને કોલકાતા નાઇટ રાઇડર્સે ગયા વર્ષે ડિસેમ્બરમાં 5.25 કરોડમાં ખરીદ્યો હતો.
આ વર્ષે અત્યાર સુધીની આઇપીએલની 7 ઇનિંગમાં મોર્ગને 35ની સરેરાશથી 175 રન કર્યા છે. તેણે અત્યાર સુધી આ સીઝનમાં કોઈ અડધી સદી નથી ફટકારી. ટીમ મેનેજમેન્ટને આશા છે કે મોર્ગનના નેતૃત્વમાં કેકેઆરનું પ્રદર્શન સારું રહેશે.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer