મુંબઇ સામે કોલકાતાના 148 રન

મુંબઇ સામે કોલકાતાના 148 રન
કમિન્સની અણનમ અર્ધસદીએ રકાસ રોક્યો : ચહરની બે દડામાં બે વિકેટ
અબુધાબી, તા. 16 : અડધો દાવ પૂરો થતાં જ અડધોઅડધ ટીમ પેવેલિયનમાં બેસી જતાં માત્ર 61 રને પાંચ વિકેટ ખોયા પછી સંકટમાં મુકાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સને સાવ રકાસથી બચાવતાં પેટ કમિન્સ (53) અને સુકાની ઇઓન મોર્ગન (39)ની જુગલ જોડી છેલ્લા દડા સુધી ક્રીઝ પર જામી ગઇ હતી, જેના પગલે કોલકાતાએ 20 ઓવરમાં પાંચ વિકેટે 148 રન કરી શકી હતી. મુંબઇ ઇન્ડિયન્સના બોલરોએ બેટધરોને બાંધી રાખ્યા હતા.
પાંચ વિકેટ ખોયા બાદ નાઇટ રાઇડર્સની વહારે આવેલા કમિન્સે કાંડાનું કૌવત બતાવતાં 36 દડામાં પાંચ ચોગ્ગા - બે છગ્ગા સાથે 53 રન ઝૂડી અણનમ અર્ધસદી ફટકારી દીધી હતી.
સામો છેડો સાચવતાં છેલ્લે છેલ્લે ખભા ઊંચકનાર સુકાની મોર્ગને 29 દડામાં બે ચોગ્ગા - બે છગ્ગા સાથે અણનમ 39 રનનો ઉપયોગી ઉમેરો કર્યો હતો.
ગિલે 23 દડામાં બે ચોગ્ગા સાથે 21, આન્દ્રે રસેલે 9 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગા સાથે 12 રન કર્યા હતા. ત્રિપાઠી (7), રાણા (5), કાર્તિક (4) સાવ સસ્તામાં વિકેટ ખોઇ બેઠા હતા.
અગાઉ રમતનો અડધો દાવ પૂરો થવા સુધીમાં જ કોલકાતાની અડધો અડધ ટીમ પેવેલિયનમાં બેસી ગઇ હતી. મોર્ગનની ટીમે માત્ર 61 રનમાં પાંચ વિકેટ ખોઇ દીધી હતી.
રાહુલ ત્રિપાઠી અને શુભમન ગિલની પ્રારંભિક જોડીએ માત્ર 33 રને પેવેલિયનની વાટ પકડી હતી. ત્રિપાઠી ઉપરાંત નીતીશ રાણા અને દિનેશ કાર્તિક બેવડો આંક પણ પાર કરી શક્યા નહોતા.
મુંબઇ ઇન્ડિયન્સ વતી રાહુલ ચહરે 4 ઓવરમાં માત્ર 18 રન આપી સળંગ બે દડામાં બે વિકેટ ઝડપી હતી. બોલ્ટ, નીલ, બુમરાહે 1-1 વિકેટ લીધી હતી.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer