વિદેશી મુદ્રાની અનામતો $ 551.5 અબજની સર્વોચ્ચ સપાટીએ

નવી દિલ્હી, તા. 16 : ભારતની વિદેશી મુદ્રાની અનામતોમાં 9 અૉક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 5.867 અબજ ડૉલરનો વધારો થયો હતો અને તે 551.5 અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી, એમ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ જણાવ્યું છે.
2 અૉક્ટોબર, 2020ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રાની અનામતો 3.618 અબજ ડૉલર વધીને 545.64 અબજ ડૉલર થઈ હતી.
વિદેશી ચલણની અનામતો 5.737 અબજ ડૉલર વધીને 508.783 અબજ ડૉલર થઈ હતી. વિદેશી ચલણની અનામતો ડૉલરમાં દર્શાવાય છે. તેથી યુરો, યેન કે બ્રિટિશ પાઉન્ડ જેવા અન્ય ચલણોની બજારમૂલ્યમાં થતી વધઘટની અસર વિદેશી ચલણની અનામતો ઉપર પડે છે.
રિઝર્વ બૅન્ક પાસે સુવર્ણ ભંડોળનું મૂલ્ય 11.3 કરોડ ડૉલર વધીને 36.598 અબજ ડૉલર થયું હતું.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સનું (એસડીઆર) મૂલ્ય 40 લાખ ડૉલર વધીને 1.480 અબજ ડૉલર થયું હતું.
Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer