અમેરિકાના પૅકેજની અનિશ્ચિતતા વચ્ચે અથડાતાં સોના-ચાંદી

અમેરિકાના પૅકેજની અનિશ્ચિતતા વચ્ચે અથડાતાં સોના-ચાંદી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 16 : અમેરિકાનું ઉદ્દીપક પૅકેજ ચૂંટણી પહેલાં નહીં આવે એવી ધારણા હવે પ્રબળ બની રહી હોવાથી સોનાના ભાવમાં ત્રણ અઠવાડિયાં પછી પ્રથમ વખત સાપ્તાહિક ઘટાડો આવ્યો છે. અલબત્ત સોનાનો ભાવ ગઇકાલની તુલનાએ સાધારણ સુધરીને 1911 ડોલરની સપાટીએ હતો. જ્યારે ચાંદી 24.44 ડૉલર હતી. 
સોનામાં ફિઝીકલ માગનો અભાવ છે કારણકે અમેરિકા ચૂંટણી નજીક છે. ચૂંટણીમાં અપસેટ સર્જાય તો વેચવાલી નીકળે એવા ભયથી માગ પ્રભાવિત થઇ છે તેમ રોબિન ભાર નામના વિશ્લેષક કહે છે. ઇક્વિટી માર્કેટમાં ઘટાડાની ચાલ છે તેના કારણે સોનાને ટેકો મળ્યો છે. ડૉલરના મૂલ્યમાં પણ નરમાઇ જોવા મળી હતી. 
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એવું કહ્યું હતું કે, 1.8 ટ્રિલિયન ડૉલરનું પૅકેજ જાહેર થાય તે માટે તેઓ કૉંગ્રેસમાં ડેમોક્રેટસ સાથે વાટાઘાટ કરવા તૈયાર છે. પરંતુ સેનેટની બહુમતીથી આ વિચાર ઉડાડી દેવામાં આવ્યો છે. વિશ્લેષકો કહે છે, પૅકેજ આવશે કે નહીં અને કેટલી રકમનું આવશે તે અંગે ભારે અનિશ્ચિતતાનો દોર ચાલી રહ્યો છે એ કારણે ભાવમાં સતત વધઘટ દેખાઇ રહી છે. 
સોનું 1850-1950ની રેન્જમાં અથડાઇ ગયું છે. બેમાંથી કોઇ એક રેન્જ તોડે તો નવી દિશા બજારને મળશે.  23થી 25.50 ડૉલરની રેન્જમાં અથડાય છે. એમાંય આવનારા સમયમાં મોટી વધઘટનો અભાવ જોવા મળશે. રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂા. 150ના સુધારામાં રૂા. 52,100 અને મુંબઇમાં રૂા. 242 વધતા રૂા. 50,905 હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂા. 1000ની તેજીમાં રૂા. 61,300 અને મુંબઇમાં રૂા.1399ની તેજીમાં રૂા. 61,558 હતી.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer