કેલિફોર્નિયાની બદામના અનેક ભારતીય આયાતકારોને અમેરિકામાં બ્લેક લિસ્ટ કરાયા

કેલિફોર્નિયાની બદામના અનેક ભારતીય આયાતકારોને અમેરિકામાં બ્લેક લિસ્ટ કરાયા
સ્મિતા જાની તરફથી
મુંબઈ, તા. 16 : કોરોનનાં કપરા સમયમાં સાથ નહીં આપનારા બદામના ભારતીય આયાતકારોને અમેરિકન નિકાસકારોએ પાઠ ભણાવ્યો છે. બદામના સ્થાનિક ભાવ ઘટવાને કારણે જે આયાતકારોએ તેમના બુકીંગ રદ્દ કરાવ્યા તેમને આ નિકાસકાઓએ અત્યારે બ્લેક લિસ્ટ કર્યા છે અને તેમણે નહીં સ્વીકારેલો માલ બીજા ભારતીય આયાતકારોને સસ્તામાં ફાળવીને બાજી સાચવી લીધી છે. 
અમેરિકન નિકાસકારોના આ પગલાંથી ત્યાંના નિકાસકાર સમુદાયમાં આ આયાતકારોની પ્રતિષ્ઠાને ભારે ધક્કો લાગ્યો હોવાનું સૂત્રોએ વ્યાપારને કહ્યું હતું। 
આ આયાતકારોએ કેટલાક કન્ટેનર બદામનું બુકીંગ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં એક રતલ (પાઉન્ડ) દીઠ એક ડૉલર 35 સેન્ટના ભાવે કરાવ્યું હતું. પણ ત્યાર બાદ વિશ્વમાં કોરોના ફાટી નીકળતા અમેરિકન નિકાસકારોને બધા દેશના આયાતકારોના કેન્સલશનના ઓર્ડર આવા લાગ્યા, જેમાં ભારતના આયાતકારોનો પણ સમાવેશ હતો. આ કેન્સલેશનની સાથે ચીનની પણ સંભવિત ખરીદી નીકળી નહીં તેથી અમેરિકન બદામના વૈશ્વિક ભાવ ઘટી ગયા. ભારતીય આયાતકારોએ ગભરાઈને બુક કરેલા આયાતી કન્ટેઈનરના સોદા રદ કરવાની વાટાઘાટ તેમના સપ્લાયર્સની સાથે શરૂ કરી. આ નિકાસકારોએ તેમને ઓર્ડર કેન્સલ નહીં કરવા ઘણું સમજાવ્યા પણ તેઓ માન્યા નહીં. આયાત કરેલો બદામનો માલ ભારતીય બંદરોએ આવી પહોંચ્યો ત્યારે બજાર પ્રતિ કિલોએ રૂા. 100 જેવી ઘટી ગઈ હોવાથી આ આયાતકારોએ માલ સ્વીકારવાનો ઇન્કાર કરીને તેમના ડોક્યુમેન્ટ પાછા મોકલવાનું નક્કી કર્યું. અમેરિકાના નિકાસકારોએ એનઓસી પાછી લીધી પણ તે માલ તેમના દેશ્માં પરત લઈ જવાને બદલે બીજા ભારતીય આયાતકારો સાથે સમજૂતી કરીને માલ વેચ્યો છે. આ નિકાસકારોને અત્યારે તો આ સોદો નુક્સાનીનો થયો પણ તેમણે આયાતકારોને બ્લૅક લિસ્ટિગ કરીને બદલો વાળ્યો છે. 
માર્ચ-એપ્રિલમાં બદામના સ્થાનિક બજારમાં જથ્થાબંધ ભાવ રૂા. 650 બોલાતા હતા. આયાતી કન્ટેઈનર્સ આવી જતાં માલની છૂટ થઈ અને બજાર તૂટીને ભાવ રૂા. 480 જેવા થયા. સાથે ચીનની ઘરાકી પણ નિષ્ફળ ગઈ. આગળ એપ્રિલ-મે મહિનામાં જે આયાતકારોનો માલ આવી ગયો હતો તેમને ભાવ તૂટી જતાં મોટું નુકસાન વેઠવું પડયું હતું. પરંતુ જે આયાતકારોએ માલ સ્વીકાર્યો હતો તેમને અહીંના અન્ય આયાતકારોએ નહીં સ્વીકારેલા કન્ટેઈનર 50 ટકા ઓછા ભાવે ફાળવ્યા. આમ બદામના કેટલાક આયાતકારોને નુકસાની સરભર થઈ છે એમ અત્રેના ખારાવાલા પ્રોડક્ટના શૈલેષભાઈ ખારાવાલાએ વ્યાપારને કહ્યું હતું।  
ગયા વર્ષે દેશમાં બદામના 750 કન્ટેઈનરની આયાત થઈ હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 1250 આયાતી કન્ટેઈનર આવી પહોંચ્યા છે. બદામની માગ નીકળતાં અને તહેવારોની સિઝન હોવાથી આગામી મહિને 2400 કન્ટેઈનર માલ આવી પહોંચશે. કૅલિફોર્નિયાથી બદામના આયાતકારોમાંથી આ વર્ષે અંદાજે 10 જેટલા આયાતકારો ડિફોલ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. 
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer