ત્રણ કરોડ ઔદ્યોગિક શ્રમિકોનો પગાર વધશે

કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેકસ વર્ષ ર001ને બદલે ર016 કરવા સરકારની હિલચાલ
નવી દિલ્હી, તા. 16 : કેન્દ્ર સરકારના એક નિર્ણયથી દેશના 3 કરોડ ઔદ્યોગિક શ્રમિકોના પગારમાં વધારો થઈ શકે છે. સરકાર ઔદ્યોગિક શ્રમિકો માટે ઉપભોકતા મૂલ્ય સૂચકાંક (કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેકસ)ના આધાર વર્ષને બદલવા જઈ રહી છે.
અત્યાર સુધી તેનો આધાર વર્ષ ર001 માનવામાં આવતો હતો પરંતુ હવે સરકારે પાયાના વર્ષ તરીકે ર016 કરવા નિર્ણય લીધાનું સામે આવ્યું છે. આ મામલે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. વર્ષ ર001થી ઔદ્યોગિક શ્રમિકો માટે સૂચકાંકમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જે ખરેખર દર પ વર્ષે બદલવો જોઈએ. સરકારના આ નિર્ણયથી લાખો ઔધોગિક શ્રમિકો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.
ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સ ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકનો ઉપયોગ સરકારી કર્મચારીઓના ડીએ, પેન્શનર્સના ડીઆર અને ઔદ્યોગિક મજદૂરોનો પગાર નક્કી કરવામાં આવે છે. આવતા સપ્તાહે કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી તરફથી સપ્ટેમ્બર ર0ર0નો સૂચકાંક જારી કરવામાં આવશે. સરકાર જો પાયાના વર્ષને બદલશે તો 3 કરોડ આદ્યોગિક શ્રમિકો, 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓને તેનો લાભ મળશે. નવા ઈન્ડેકસમાં હેલ્થકેર, એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ, અર્બન હાઉસીંગ, મોબાઈલ ફોન વગેરે ખર્ચને સામેલ કરવામાં આવી શકે છે.
Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer