કુખ્યાત ગૅન્ગસ્ટર દાઉદ રહેતો હતો એ ઈમારતના પુનર્વિકાસ સામે સુપ્રીમ કોર્ટનો સ્થગિત આદેશ

મુંબઈ, તા. 16 : ભીંડી બજારમાં આવેલી ઈમારતના પુનર્વિકાસ અંગે સ્થગિત આદેશ આપીને સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે ચેરિટી કમિશનરને નોટિસ મોકલી છે. આ ઈમારત કુખ્યાત ગૅન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમના છેલ્લું જ્ઞાત સરનામું હતી. વર્ષ 1939માં બાંધવામાં આવેલી ઈમારત હાજી ઈસ્માઈલ હાજી હબીબ મુસાફિરખાના તરીકે ઓળખાય છે. હવે આ કેસની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં દશેરાના વેકેશન પછી 28મી અૉક્ટોબરે થશે. આ ઈમારત વક્ફ પ્રોપર્ટી છે એવા મહારાષ્ટ્ર રાજ્ય વક્ફ બોર્ડના દાવાને સૈફી બુરહાની અપલીફટમેન્ટ ટ્રસ્ટે સ્વીકાર્યો નથી.
આ ઈમારતમાં દાયકાઓ પહેલા દાઉદ ઈબ્રાહિમ રહેતો હતો.
મુંબઈ વડી અદાલતે ગત 11મી ડિસેમ્બરે બહાર પાડેલા આદેશમાં હાજી ઈસ્માઈલ એચ. એમ. મુસાફિરખાના ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આ ઈમારત વેચવાની પરવાનગી આપી હતી. તેના વિરુદ્ધ વક્ફ બોર્ડે નોંધાવેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી ગઈ કાલે સર્વોચ્ચ અદાલતમાં થઈ હતી. આ જર્જરિત ઈમારત દક્ષિણ મુંબઈમાં ભીંડી બજાર પરિસરમાં યાકુબ સ્ટ્રીટ, પાકમોડીયા સ્ટ્રીટ અને એડલજી કૂપર સ્ટ્રીટના જંકશન ઉપર આવેલી છે. ટ્રસ્ટીઓને આ ઈમારત કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે 1.10 કરોડ રૂપિયામાં વેચવાની પરવાનગી અપાઈ હતી. તેમાં આ ઈમારતના રહેવાસીઓનું પુનર્વસન કરવાની જોગવાઈ છે.
વક્ફ બોર્ડ વતી કોર્ટમાં એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે રજૂઆત કર્યા પછી ન્યાયાધીશો અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ. આર. શતહની બનેલી ખંડપીઠે અરજી નોંધાવવામાં થયેલા વિલંબને માફ કર્યો હતો.
Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer