સિવિલ કોર્ટનાં ચુકાદાને પડકારતી અરજી ઉપર સુન્ની વક્ફ બોર્ડ સહિતનાં પક્ષકારોને નોટિસ

શ્રીકૃષ્ણ જન્મભૂમિની માલિકીનો કેસ કોર્ટમાં દાખલ
મથુરા,તા.6: શ્રીકૃષ્ણ જન્મભૂમિનાં માલિકી હકનાં વિવાદમાં મથુરાની અદાલતે અરજીનો સ્વીકાર કરી લીધો છે અને કોર્ટે સુન્ની વક્ફ બોર્ડ સહિત તમામ પક્ષકારોને આ મામલે નોટિસ જારી કરીને જવાબ માગ્યો છે.
મથુરા ડિસ્ટ્રીક્ટ કોર્ટે શ્રીકૃષ્ણ વિરાજમાન સહિત આઠ અરજદારોની અરજીની સુનાવણી માટે તૈયારી દેખાડી દીધી છે. સાથોસાથ અદાલતે જે પક્ષકારોને નોટિસો જારી કરી છે તેમાં સુન્ની વક્ફ બોર્ડ, ઈદગાહ મસ્જિદ ટ્રસ્ટનો પણ સમાવેશ થાય છે. 
મથુરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં સિવિલ કોર્ટનાં આદેશને પડકારવામાં આવેલો છે. સિવિલ કોર્ટે ભગવાન તરફથી દાખલ કરવામાં આવેલી અરજી સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, વિશ્વમાં ભગવાન કૃષ્ણના અસંખ્ય ભક્તો છે.
દરેક શ્રદ્ધાળુ જો આવી અરજી કરવા લાગે તો ન્યાય વ્યવસ્થા લથડી જશે.
ઉલ્લેખનીય છે કે, રામલલા બિરાજમાન બાદ હવે શ્રીકૃષ્ણ વિરાજમાન તરફથી મથુરાની અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાં 13.37 એકર કૃષ્ણ જન્મભૂમિનો માલિકી હક માગવામાં આવેલો છે અને શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા માટે કહેવામાં આવેલું છે. આ કેસ શ્રીકૃષ્ણ વિરાજમાન, કટરા કેશવ દેવ ખેવટ, મૌજા મથુરા બજાર શહેર, રંજના અગ્નિહોત્રી અને છ અન્ય ભક્તો દ્વારા દાખલ કરવામાં આવેલો છે. 
Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer