રિપબ્લિક ટીવીના પત્રકારને મળ્યા આગોતરા જામીન

મુંબઈ, તા. 16 : અભિનેત્રી કંગના રનૌતની બાન્દરા સ્થિત ઓફિસનું  મુંબઈ પાલિકા દ્વારા ડિમોલિશન ચાલતું હતું ત્યારે રિપબ્લિક ટીવીના એક પત્રકાર પર સરકારી પોલીસના કામમાં બાધા નાખવાનો આરોપ મુકાયો હતો. સેશન્સ કોર્ટે શુક્રવારે આ પત્રકારના અગોતરા જામીન મંજૂર કર્યા હતા. પાલિકા દ્વારા પત્રકાર પ્રદીપ ભંડારી સામે ખાર પોલીસ સ્ટેશનમાં બૉમ્બે પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 
પત્રકાર સામે એવો આરોપ મુકાયો હતો કે તેણે 15થી 20 લોકોના એક જૂથને કંગનાની ઓફિસમાં ડિમોલિશન ચાલતું હતું ત્યારે બહાર ભેગા થવા તેમને પૈસા આપ્યા હતા. આ જૂથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસને તેની ફરજ બજાવવામાં બાધા નાખી હતી. પત્રકાર ભંડારીએ બચાવમાં કહ્યું હતું કે આ કેસમાં કોઈ સરકારી કર્મચારી પર હુમલો કરાયો ન હોવાથી કેસમાં બૉમ્બે પોલીસ એક્ટની કલમ 353 ખોટી રીતે લગાડવામાં આવી છે. 
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે જે ફરિયાદ એ ટોળા સામે છે. એફઆઈઆરમાં સરકારી કર્મચારીના કામમાં બાધા નાખવા માટે તેમના પર હુમલો કરાયો હોય એવો કોઈ ઉલ્લેખ નથી. બીજુ એફઆઈઆર દાખલ થઈ એના એક અઠવાડિયા બાદ કામમાં બાધા નાખવા વિશેની 353મી કલમ ઉમેરવામાં આવી હતી. એટલે આના પરથી એ સ્પષ્ટ થાય છે કે સંબંધિત સરકારી નોકરને તેના કામમાં બાધા નાખવામાં આવેલી એ વિશે તેને ત્યાં સુધી ખબર જ નહોતી. બીજુ સૂત્રોચ્ચાર માટે પૈસા આપીને કોઈને બોલાવવા એ અહીં ગુનો બનતો જ નથી. આ કેસમાં આરોપીની કસ્ટડીમાં પૂછપરછ કરવાની કોઈ જરૂરિયાત નથી એટલે તેના અગોતરા જામીન મંજૂર કરાય છે. ખાર પોલીસ જરૂર લાગે ત્યારે તેને બોલાવી શકે છે.
Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer