બિહારમાં ચૂંટણી : વડા પ્રધાન મોદી બાર સભાઓ ગજાવશે

પટના, તા.16 : ત્રણ તબક્કામાં થનારી બિહાર વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાર જાહેરસભાઓ સંબોધશે. બિહારમાં પહેલા તબક્કાનું મતદાન 28 અૉક્ટોબરે થશે અને ત્યાર બાદ ત્રણ અને સાત નવેમ્બરે બીજા બે તબક્કાનું મતદાન થવાનું છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો દસમી નવેમ્બરે જાહેર થશે. 
બિહારની ચૂંટણી માટે ભાજપના પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 23 અૉક્ટોબરે સાસારામ, ગયા અને ભાગલપુરમાં વડા પ્રધાનની જાહેર સભાઓ થશે. ત્યાર બાદ 28 અૉક્ટોબરે દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં મોદી સભાઓને સંબોધશે.
પહેલી નવેમ્બરે છપરા, પૂર્વ ચંપારણ્ય અને સમસ્તીપુરમાં તેમ જ ત્રણ નવેમ્બરે પશ્ચિમ ચંપારણ્ય, સહરસા અને ફોરબસગંજમાં વડા પ્રધાનની રૅલીઓનું આયોજન કરાયું છે. ભાજપ દ્વારા આ સભાઓની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કોરોના કાળમાં જરૂરી સાવચેતીઓ અને નિયમોના પાલન સાથે વડા પ્રધાનની જાહેરસભાઓ થશે, એમ ફડણવીસે જણાવ્યું હતું. 
Published on: Sat, 17 Oct 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer