મોદીના આગમન પૂર્વે કેવડિયાને કોરોના ફ્રી બનાવાશે

મોદીના આગમન પૂર્વે કેવડિયાને કોરોના ફ્રી બનાવાશે
આઠ દિવસમાં 18 હજાર લોકોના ટેસ્ટ કરાશે, સી-પ્લેનની જેટી અને ટર્મિનલનું કામ યુદ્ધના ધોરણે ચાલુ 
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 16 : આગામી 31મી અૉક્ટોબરે વડા પ્રધાન મોદીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. તેમના આગમનને ધ્યાનમાં લઇને કેવડિયાને કોરોના ફ્રી ઝોન બનાવવા માટે તંત્રએ કમર કસી છે. કેવડિયાના 10 કિમી વિસ્તારમાં સ્ટેચ્યુના કર્મચારી, સુરક્ષા જવાનો તેમજ આસપાસના 6 ગામોના લોકો મળી કુલ 18 હજારથી વધુ લોકોનું ટેસ્ટિગ કરવામાં આવશે. નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે સી-પ્લેનની જેટી અને ટર્મિનલનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. 
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા પાલિકાને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં સેનેટાઈઝેશન કરવા આદેશ કરાયો છે. 31 મી ઓક્ટોબરે સુરક્ષા માટે પેરામિલીટરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફ તથા અન્ય કર્મચારીઓ હાજર રહેવાના હોય 20થી 28 ઓક્ટોબર સુધીમાં આશરે 18 હજાર લોકોના 2થી 3 વખત રેપીટ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરવાનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવાના હોવાથી એન્ટીજન ટેસ્ટ માટેની 5000 કીટ ઉપલબ્ધ કરાવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે માંગણી કરી છે. 
કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. તેઓ સી-પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે ઉતરવાના છે. આ સાથે રાજ્યનો પ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટ પણ શરૂ થવાનો છે. અમદાવાદથી આવનારું સી પ્લેન જ્યાં ઉતરવાનું છે તે તળાવ નંબર-3 પાસે જેટી બનવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer