ટીવી ન્યૂઝ ચેનલો પર નિયંત્રણ માટે સંસદે કાયદો ઘડવાની જરૂર : હાઈ કોર્ટ

ટીવી ન્યૂઝ ચેનલો પર નિયંત્રણ માટે સંસદે કાયદો ઘડવાની જરૂર : હાઈ કોર્ટ
મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : મુંબઈ હાઈ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને એવો પ્રશ્ન કર્યો હતો કે નુકસાન થાય એ પહેલા ટીવી ન્યૂઝ ચેનલના સમાચાર અટકાવવાની કોઈ યંત્રણા નથી? 
અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પ્રકરણમાં ન્યૂઝ ચેનલોના કવરેજ સામે હાઈ કોર્ટમાં જનહિતની એક કરતા વધુ અરજી થઈ છે. કોર્ટે કહ્યું હતું કે મીડિયાએ જો લક્ષ્મણરેખા ઓળંગી હોય તો સંસદે કાનૂન ઘડવાની જરૂર છે. કોર્ટ શા માટે પગલાં લે? 
જનહિતની એક અરજી મુંબઈ પોલીસના ટોચના ભૂતપૂર્વ પોલીસ અધિકારીઓએ કરી છે. તેમણે કોર્ટને કહ્યું હતું કે સુશાંત કેસમાં મીડિયા ટ્રાયલ ચાલી રહી છે. 
ત્રણ જજની બૅન્ચે કહ્યું હતું કે જો કોઈ ઘટના ઘટે તો સંબંધિત તમામ સરકારી અધિકારીઓને જવાબદારી ઠેરવી તેમને હટાવવામાં આવે છે. આવું જ ખાનગી કંપની માટે હોવું જોઈએ. સરખું વર્તન ન કરવા બદલ તેમની સામે પગલાં લેવા જોઈએ. પ્રિન્ટ મીડિયા પર નજર રાખવા તમારી પાસે યંત્રણા છે, પણ ઈલેકટ્રોનિક મીડિયાને છંછેડવાના મૂડમાં તમે ન હોવ એવું લાગે છે. 
કેન્દ્ર સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યું હતું કે પ્રેસની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ ન કરવાની સુપ્રીમ કોર્ટે સુચના આપી છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે મીડિયા પોતે મર્યાદા જાળવે એને પ્રોત્સાહન આપવું જોઈએ. 
જોકે કોર્ટે કહ્યું હતું કે એડિશનલ સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટનો જે ચૂકાદો ટાંક્યો છે એ જૂનો છે. એ 2012-2013માં આપવામાં આવેલો. હવે સમય બદલાયો છે. આ સ્વતંત્રતાનો હવે બહુ ગેરલાભ લેવાય છે. સુપ્રીમ કોર્ટના ચીફ જાસ્ટિસે પણ તાજેતરમાં એવો ઉલ્લેખ કરેલો કે વાણી સ્વાતંત્ર્યતાનો સૌથી વધુ ગેરલાભ લેવામાં આવે છે. ન્યૂસ ચેનલો માટે અત્યારે જે યંત્રણા છે એ કેટલી અસરકારક છે એ જોવાનો અત્યારે મુદ્દો છે. અત્યારે એવું થઈ ગયું છે કે જેને જે બોલવું હોય એ બોલવાનું તેની પાસે લાઈસન્સ હોય એવું લાગે છે. એટલે નુકસાન થાય એ પહેલા એના પર નજર રાખવાની કોઈ યંત્રણા છે? કે પછી કોઈ સમાચાર પ્રસારિત થઈ જાય અને ફરિયાદ આવે એ બાદ જ પગલાં લેવા? બૅન્ચે વધુમાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિની શાખ ખોટી રીતે ન ખરડાય એ માટે મીડિયા ખ્યાલ રાખવો જોઈએ. મીડિયા પાસે સ્વતંત્રતાના અધિકારો છે. જોકે બીજાની સ્વતંત્રતાનો ભંગ કરવા માટે એનો લાભ ન લઈ શકાય. આવી નિરંકુશ સ્વતંત્રતા ન હોઈ શકે. 
એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યું હતું કે સરકારનો પણ આવો જ મત છે અને આ સંદર્ભે શું થઈ શકે છે એનો વિચાર થઈ રહ્યો છે. 
નૅશનલ બ્રોડકાસ્ટર્સ એસોસિયેશન (આ ખાનગી સંસ્થા છે)ના વકિલે કહ્યું હતું કે સુશાંત કેસમાં વાંધજનક પ્રસારણ બદલ અમે અનેક ટીવી ચેનલોને દંડ કર્યો છે.  
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer