પંજાબમાં આતંકવાદ સામે લડનારા શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સિંહ સંધુની ગોળી મારીને હત્યા

પંજાબમાં આતંકવાદ સામે લડનારા શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સિંહ સંધુની ગોળી મારીને હત્યા
અમૃતસર, તા.16 : પંજાબમાં આતંકવાદ સામે લડીને શૌર્ય ચક્ર પુરસ્કાર મેળવનારા બલવિન્દર સિંહ સંધુની આજે તરન તારન જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. સરકારે કેટલાક મહિના અગાઉ સંધુને મળેલી સુરક્ષા હટાવી લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તરન તારન નજીક ભિખિવિન્ડમાં તેમના ઘરની બાજુમાં જ આવેલી અૉફિસમાં 62 વર્ષના સંધુ જતા હતા ત્યારે મોટરસાઈકલ પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના શરીરમાં ચાર ગોળીઓ ધરબીને નાસી ગયા હતા. સંધુને તત્કાળ નજીકની હૉસ્પિટલે લઇ જવાયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.
વર્ષ 1993માં ભારત સરકારે સંધુને શૌર્ય ચક્રથી વિભૂષિત કર્યા હતા એના પ્રમાણપત્રમાં લખાયું છે કે બલવિંદર સિંહ સંધુ અને તેમના ભાઇ રણજિત સિંહ સંધુએ હંમેશા આતંકવાદી પ્રવૃત્તિઓનો જીવના જોખમે વિરોધ કર્યો છે, એથી જ તેમના નામ આતંકવાદીઓના હિટ લિસ્ટમાં ટોચે છે. લગભગ 11 મહિનામાં આ બંને ભાઇઓના પરિવાર  પર 16 જેટલાં આતંકવાદી હુમલાઓ થયા છે. પરંતુ આ બંને ભાઇઓએ અને તેમની પત્નીઓ જગદીશ કૌર સંધુ અને બલરાજ કૌર સંધુએ 10થી 200ના જૂથમાં ચડી આવેલા આતંકવાદીઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે અને આતંકવાદીઓના ઇરાદાઓ નિષ્ફળ બનાવેલા છે. 
પંજાબમાં ખાલિસ્તાની ચળવળ ચરમ પર હતી ત્યારે સંધુના પરિવાર પર લગભગ સોળ વખત આતંકવાદી હુમલા થયા હતા અને બંને ભાઇઓ તેમ જ તેમની પત્નીઓ વર્ષો સુધી આતંકવાદ સામે લડતા રહ્યા હતા. તેમના ભાઇ રણજિત સંધુના જણાવ્યા પ્રમાણે અમારો પરિવાર આતંકવાદીઓના હીટ લિસ્ટમાં ટોચ પર રહ્યો છે, પરંતુ તરન તારન પોલીસની ભલામણના આધારે લગભગ એક વર્ષ પહેલા પંજાબ સરકારે અમારા પરિવારને મળેલી સુરક્ષા હટાવી હતી. આતંકવાદ સામે હિંમતપૂર્વક લડનારા સંધુ કેટલીક ડૉક્યુમેન્ટરીઓમાં પણ ચમક્યા છે.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer