હવે વિધાન પરિષદમાં બાર સભ્યોની નિમણૂક અંગે ગજગ્રાહની સંભાવના

હવે વિધાન પરિષદમાં બાર સભ્યોની નિમણૂક અંગે ગજગ્રાહની સંભાવના
મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ વચ્ચે `લેટરબૉમ્બ'નો મારો
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ધર્મસ્થાનો ખોલવા માટે લખેલા પત્રનો જવાબમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપેલા જવાબને કારણે સર્જાયેલો વિવાદ શમ્યો નથી, ત્યારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નિયુક્ત કરવાના 12 સભ્યોને મુદ્દે રાજ્યપાલ અને મહાવિકાસ આઘાડીની સરકાર વચ્ચે ગજગ્રાહ થાય એવી શક્યતા છે. આ મુદ્દે ઘર્ષણ અને કાનૂની વિવાદ નિવારવા માટે `આઘાડી' સરકારે ઍડવોકેટ જનરલની સલાહ માગી છે.
રાજ્યપાલે મોકલેલા `લેટરબૉમ્બ' અને તેના જવાબમાં મુખ્ય પ્રધાને ફેંકેલા `લેટરબૉમ્બ' પછી શિવસેનાની છાવણીમાં પ્રથમ રાઉન્ડમાં જબરદસ્ત કામગીરી બજાવ્યાનો આનંદ છે. હવે મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા વિધાન પરિષદમાં બાર સભ્યોને નીમવાના છે તે બેઠકો છેક ગત જૂન માસથી ખાલી પડેલી છે. તે અંગે `આઘાડી' સરકારમાંના ઘટક પક્ષો - કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેના વચ્ચે પોતાના કેટલા સભ્યોને વિધાન પરિષદમાં સ્થાન આપવું તે વિશે મતભેદોને કારણે પણ નામ નક્કી કરવામાં વિલંબ થયો છે. ઉપરાંત `આઘાડી' સરકારે બંધારણીય જોગવાઈ અનુસાર વિધાન પરિષદમાં બાર સભ્યો નીમવા ઉત્સુક છે. જોકે, રાજ્યપાલ કાનૂની જોગવાઈનો આધાર લઈને તેમાં વિક્ષેપ પાડે એવી સંભાવના છે. તેથી જોખમને કારણે `આઘાડી' સાવચેત છે અને તેણે ઍડ્વોકેટ જનરલ પાસે કાનૂની અભિપ્રાય માગ્યો છે.
બંધારણની કલમ 171 (5) અનુસાર વિધાનપરિષદમાં નિયુક્ત થનારા સભ્ય પાસે સાહિત્ય, વિજ્ઞાન, કળા, સહકારી, ચળવળ અને સમાજસેવાના ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અથવા વ્યવહારુ અનુભવ હોવો જરૂરી છે. અત્યાર સુધી આ પ્રકારે  રાજકીય નેતાઓને વિધાનગૃહોમાં `પાછલે બારણે' પ્રવેશ અપાતો રહ્યો છે. જોકે, રાજ્યપાલ કોશિયારી અને `આઘાડી' સરકાર વચ્ચે બધુ સમુસૂતર નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્ય સરકાર અને રાજ્યપાલ વચ્ચે વિવિધ મુદ્દે મતભેદો અને ખેંચતાણ થઈ છે. તેથી `આઘાડી' સરકાર કાનૂની અભિપ્રાય લઈને વિધાનપરિષદ માટે એવા નામોની ભલામણ કરવા ઇચ્છે છે કે જેમાં રાજ્યપાલ વાંધો ઉઠાવી શકે નહીં બંધારણની જોગવાઈ મુજબ રાજ્ય સરકારની ભલામણ સ્વીકારવી રાજ્યપાલ માટે બંધનકારક છે. છતાં રાજ્યપાલ જો કાનૂની જોગવાઈઓના આધારે મુદ્દા ઉઠાવે તો `આઘાડી' સરકાર માટે તેની અવગણના કરવાનું મુશ્કેલ બની શકે છે.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer