ટ્રમ્પ કહે છે પર્યાવરણ રક્ષણમાં અમેરિકા નંબર વન

ટ્રમ્પ કહે છે પર્યાવરણ રક્ષણમાં અમેરિકા નંબર વન
ચીન, રશિયા અને ભારત પર પ્રદૂષણ ફેલાવી રહ્યાંનો આક્ષેપ 
વૉશિંગ્ટન, તા.16 : ચીન, રશિયા અને ભારત સહિતના કેટલાક દેશોએ દુનિયામાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ ફેલાવ્યું છે જ્યારે અમેરિકા પર્યાવરણની રક્ષા કરવામાં અવ્વલ છે, એમ અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આજે જણાવ્યું હતું. આ અગાઉ ટ્રમ્પ ભારત અને ચીન કોરોનાના કેસો છૂપાવી રહ્યાનો જાહેર આક્ષેપ પણ કરી ચુક્યા છે.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનો પ્રચાર ચરમ પર છે ત્યારે ગુરુવારે નોર્થ કૅરોલિનામાં જાહેરસભાને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે મારા પ્રમુખપદ હેઠળ અમેરિકા ઊર્જાના ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે અને પર્યાવરણ બચાવવામાં અમેરિકાએ અવ્વલ નંબર મેળવ્યો છે. પર્યાવરણ રક્ષા અને ઓઝોન નંબરમાં આપણે દુનિયામાં સૌથી આગળ છીએ. પરંતુ ચીન, રશિયા અને ભારત જેવા દેશો દુનિયામાં વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.
જૂન 2017માં ટ્રમ્પે પર્યાવરણ સંબંધી સંયુક્ત રાષ્ટ્રસંઘની પેરિસ સમજૂતીમાંથી ખસી જવાનું જાહેર કરતી વેળા કહ્યું હતું કે આ સમજૂતીથી અમેરિકાને અબજો ડૉલરનું નુકસાન થશે, હજારો લોકો બેરોજગાર થશે, આપણી અૉઇલ, ગૅસ, કૉલ ઉત્પાદક કંપનીઓ બરબાદ થશે. આ સમજૂતીથી ચીન, રશિયા અને ભારતને મોટા ભાગનો ફાયદો થશે અને અમેરિકાના બિઝનેસ બરબાદ થશે.

Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer