કૉંગ્રેસના પ્રમુખપદે રાહુલ ગાંધીની વાપસીનો તખતો તૈયાર થઈ રહ્યો છે?

કૉંગ્રેસના પ્રમુખપદે રાહુલ ગાંધીની વાપસીનો તખતો તૈયાર થઈ રહ્યો છે?
2021ના જાન્યુઆરીમાં નવા પ્રમુખની જાહેરાતની સંભાવના
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા.16 : કોંગ્રેસ પક્ષ આવતા વર્ષે જાન્યુઆરીના આરંભમાં રાહુલ ગાંધીને ફરી પક્ષ પ્રમુખપદે બેસાડવામાં જોતરાયો છે. ભલે રાહુલ ગાંધી બિન ગાંધી પરિવારના વ્યક્તિને પક્ષ પ્રમુખ બનાવવા મક્કમ હોય, પરંતુ તેઓ પક્ષના નવસર્જનમાં જે રીતે રસ લઈ રહ્યા છે તે ધ્યાને લેતાં એવું લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી પક્ષનું નેતૃત્વ સંભાળી લેશે.
પક્ષમાં કોઈ બિન ગાંધી વ્યક્તિને પ્રમુખ તરીકે સ્વીકારવા તૈયાર નથી અને માત્ર રાહુલ માટે સમૂહગાન શરૂ થયું છે. એટલું જ નહીં તાજેતરના પદાધિકારીઓની ફેરબદલ પરથી પણ એવા સંકેત મળી રહ્યા છે કે રાહુલની વાપસીનો તખતો ઘડાયો છે કેમ કે તેમની ટીમના નેતાઓ પક્ષના નિર્ણયોમાં આગેવાની લઈ રહ્યા છે.
રાહુલની પુન: વરણીના એક પગલાં સ્વરૂપે કોંગ્રેસ પક્ષે સંગઠનાત્મક ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ આરંભી છે. સમગ્ર પ્રક્રિયાનો પ્રાથમિક કાર્યક્રમ નિયત કરનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની મંગળવારે બેઠક યોજાઈ હતી. 
સંગઠનાત્મક ચૂંટણીઓ યોજવા અંગેની એક બેઠક એઆઈસીસીના વડામથકે મધુસૂદન મિત્રીના અધ્યક્ષપદે મળી હતી. નવેમ્બર સુધીમાં પક્ષની આંતરિક ચૂંટણીઓ સમ્પન્ન કરી દઈ કોંગ્રેસ પક્ષ વહેલામાં વહેલા આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં નવા પ્રમુખની વરણી માટે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનું સત્ર બોલાવે તેવી સંભાવના છે.
સંગઠન ચૂંટણીની મહાકાય પ્રક્રિયા જાન્યુઆરીમાં યોજવી એ પક્ષને પણ ફાવે તેમ છે કેમકે બિહાર વિધાનસભા ચૂંટણી બાદ કોઈ મોટી ચૂંટણીઓ પણ નથી. આવતા વર્ષે 2021ના એપ્રિલમાં પાંચ વિધાનસભા તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ અને પોંડીચેરીની ચૂંટણીઓ આવશે. તેને કારણે કોંગ્રેસને નવા પ્રમુખ અને તેની નવી ટીમ સાથે સામે આવવાનો પૂરતો સમય મળી રહે તેમ છે.
અને જે રીતે રાહુલ ગાંધીના વફાદારો કે જેઓ અત્યાર સુધી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવાયા હતા કે પક્ષ છોડી ગયા હતા તેમને નવી સમિતિમાં સ્થાન અપાયું છે તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે રાહુલ ગાંધીના પુનરાગમનનો તખ્તો તૈયાર થઈ ગયો છે.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer