નવરાત્રિ નિમિત્તે ઉદ્ધવ સરકારની મહિલાઓને ભેટ

નવરાત્રિ નિમિત્તે ઉદ્ધવ સરકારની મહિલાઓને ભેટ
આજથી સવારે 11થી ત્રણ અને સાંજે સાત વાગ્યા બાદ લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16: મહારાષ્ટ્ર સરકારે નવરાત્રિની પૂર્વસંધ્યાએ મહિલાઓને લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની છૂટ આપી છે. આ નિર્ણયનો અમલ આવતી કાલે નવરાત્રિના પહેલા દિવસથી જ શરૂ થશે.
મહારાષ્ટ્ર સરકારે આજે બહાર પાડેલા આદેશ અનુસાર મહિલાઓ સવારે 11થી ત્રણ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યા બાદ છેલ્લી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે. લોકલમાં સવારે ધસારો નિવારવાની ગણતરીથી મહારાષ્ટ્ર સરકારે મહિલાઓને સવારે 11થી બપોરે ત્રણ વાગ્યા સુધી અને ત્યાર બાદ સાંજે સાત વાગ્યા બાદ જ પ્રવાસ કરવાની છૂટ
આપી છે.
આ સમયગાળામાં પ્રવાસ કરનારી મહિલાઓને ક્યુઆર કોડની જરૂર નહીં પડે, એમ મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં ઉમેરવામાં આવ્યું છે. આમ, બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી માત્ર ક્યુઆર કોડ સાથે મંજૂરી ધરાવતી મહિલાઓ લોકલમાં પ્રવાસ કરી શકશે અને સામાન્ય મહિલાઓ આ ચાર કલાક લોકલમાં પ્રવાસ નહીં કરી શકે એમ સરકારી યાદીમાં જણાવાયું હતું.
ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનના પ્રમુખ વીરેન શાહે જણાવ્યું હતું કે મુંબઈમાં લોકલ ટ્રેનોમાં એક પછી એક વર્ગને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી રહી છે તે આવકાર્ય છે. લોકલ ટ્રેનોમાં મહિલાઓને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી તેનાથી તેઓને બસની લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવાની હાડમારીમાંથી રાહત મળશે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી મુંબઈમાં નોકરી કે વ્યવસાય કરતી મહિલાઓની મુશ્કેલી ઘટશે.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer