કૃષિ સુધારાથી ખેડૂતોને લાભ : મોદી

કૃષિ સુધારાથી ખેડૂતોને લાભ : મોદી
દીકરીઓનાં લગ્નની લઘુતમ વય બદલાશે
ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચર અૉર્ગેનાઈઝેશનના અમૃત મહોત્સવ નિમિત્તે સંબોધન
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.16: શુક્રવારે વર્લ્ડ ફૂડ ડે ના અવસરે સૌને શુભેચ્છા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહયું કે દુનિયાભરમાં જે લોકો કુપોષણ દૂર કરવા કામ કરી રહ્યા છે તેમને પણ હું અભિનંદન પાઠવું છું.
આ સાથે તેમણે દેશમાં શિક્ષણમાં દિકરીઓનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો દિકરાઓથી પણ વધી ગયાનું જણાવ્યું હતું. તેમણે તમામ દિકરીઓને આશ્વાસન આપ્યું કે વહેલી તકે રિપોર્ટ આવતા જ યુવતીઓની લગ્નની ઓછામાં ઓછી ઉંમર અંગે કાયદાકીય સુધારો કરવામાં આવશે. જે હાલ યુવતીઓ માટે 18 વર્ષ અને યુવકો માટે 21 વર્ષ છે. સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી દેશને સંબોધન વખતે યુવતીઓની લગ્ન ઉંમર મામલે કાનૂની બદલાવની વાત કહી હતી.
ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફએઓ)ની 75મી વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન મોદીએ સવારે રૂ.75ના મૂલ્યનો સ્મૃતિ સિક્કો જારી કર્યો હતો. પ્રસંગે સંબોધનમાં તેમણે અન્ન ક્રાંતી મામલે ખેડૂતોના યોગદાનનો ઉલ્લેખ કરી ખેડૂતોને અન્નક્રાંતીનો મહત્ત્વનો આધાર ગણાવ્યો સાથે યુવતીઓની લગ્ન ઉંમર અંગે વાત કરી હતી. 
તેમણે તાજેતરમાં વિકસીત કરવામાં આવેલી 8 પાકની 17 બાયોફોર્ટિફાઈડ વેરાયટીઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતમાં અનાજનો વેડફાટ હંમેશા મોટી સમસ્યા રહી છે. હવે જ્યારે એસેન્શિયલ કોમોડિટી એકટમાં સુધાર કરવામાં આવ્યો છે તો તેનાથી સ્થિતીમાં બદલાવ આવશે. તેમણે ઉમેર્યુ કે નાના ખેડૂતોને શક્તિ આપવા માટે ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઈઝેશન એટલે કે એફપીઓનું એક મોટું નેટવર્ક દેશમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોના હિતની વાત કહેતા જણાવ્યું કે ખેડૂતોને પડતરનો દોઢ ગણો ભાવ ટેકાના ભાવ રૂપે મળે તે માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. એમએસપી અને સરકારી ખરીદી, દેશની ફૂડ સિક્યોરિટીનો એક મહત્ત્વનો ભાગ છે. એટલે તે ચાલુ રહેવું સ્વાભાવિક છે. કોરોનાને કારણે આખી દુનિયા સંઘર્ષ કરી રહી છે. ત્યારે ભારતીય ખેડૂતોએ ગત વર્ષના અનાજ ઉત્પાદનનો રેકોર્ડ તોડી નાખ્યો છે જે સાથે સરકારે ઘંઉ, ધાન્ય, દાળ સહિત તમામ પ્રકારના ખાધાન્યની ખરીદીનો જૂનો રેકોર્ડ તોડયો છે. કોરોનાના કપરા સમયમાં ભારત કૂપોષણ વિરૂદ્ધ મજબૂત લડાઈ લડી રહ્યું છે. ખેડૂતો-આપણા અન્નદાતા, કૃષિ વૈજ્ઞાનિકો, આંગણવાડી આશાવર્કર બહેનો કુપોષણ આંદોલનનો આધાર છે. ગરીબથી ગરીબ સુધી દૂર દૂર પહોંચવા તેઓ સરકારાની મદદ કરી રહ્યા છે.
Published on: Sat, 17 Oct 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer