ટીમ ઇન્ડિયા બીજા સ્થાને અને અૉસ્ટ્રેલિયા ટોચ પર આવી ગયું
નવી દિલ્હી, તા.20 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર એક મોટો ફેંસલો લીધો છે. કોરોના મહામારીને લીધે આઇસીસીએ નિર્ણય લીધો છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચનાર ટીમોનો ફેંસલો અંકની ટકાવારી આધારે થશે. આઇસીસીના આ નિર્ણયથી ભારતીય ટીમને નુકસાન પહોંચ્યું છે, તો ઓસ્ટ્રેલિયાને ફાયદો થયો છે. એટલું જ નહીં આઇસીસીએ આજે જાહેર કરેલ પોઇન્ટ ટેબલમાં ભારતીય ટીમ બીજા સ્થાને ખસી ગઇ છે. ઓસ્ટ્રેલિયાની અંક ટકાવારી 82.2 છે. જે ભારતીય ટીમના 7પથી વધુ છે. આઇસીસીએ ટીમોને મળેલ જીતના પોઇન્ટની ટકાવારી કાઢીને આ નવો નિયમ બનાવ્યો છે.
અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલ પર ચાર શ્રેણીના અંતે 360 પોઇન્ટ ધરાવે છે. તે આ બદલાયેલા નિયમ પહેલા ટોચ પર હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 3 સિરિઝના અંતે 296 પોઇન્ટ સાથે બીજા સ્થાને હતી. નવા નિયમ બાદ ભારત પછી ત્રીજા નંબરે ઇંગ્લેન્ડ છે. તેના 60.8 ટકા છે.
હવે કોહલીસેનાએ ટોચ પર પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં શાનદાર દેખાવ કરવો પડશે. કારણ કે હવે અન્ય ટીમોને પણ હવે ઉપર આવવાનો મોકો છે. ભારત વિરૂધ્ધ ઓસ્ટ્રેલિયાની ટીમ હોમ ગ્રાઉન્ડ પર રમશે. આથી તેને ફાયદો મળી શકે છે. આ ઉપરાંત ભારતીય સુકાની કોહલી પ્રથમ ટેસ્ટ બાદ પરત ફરી રહ્યો છે.Published on: Sat, 21 Nov 2020
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના નિયમમાં આઇસીસીએ ફેરફાર કર્યોં
