ભીડ ન થાય એ માટે માહિમ દરગાહ ભક્તોને પાસ આપશે

ભીડ ન થાય એ માટે માહિમ દરગાહ ભક્તોને પાસ આપશે
મુંબઈ, તા. 20 : સરકારે ધાર્મિક સ્થળો ફરી ખોલવાની પરવાનગી આપી એના બીજા દિવસે માહિમની દરગાહ તરીકે વિખ્યાત સુફી સંત મખદૂમ અલી માહિમી દરગાહ ખાતે કેટલી ભીડ થાય છે, એનું નિરીક્ષણ કર્યા બાદ સંચાલકોએ પાસ જારી કરવાનું નક્કી કર્યુ છે. 
દરગાહના મૅનેજમેન્ટે ગુરુવાર રાત સુધી રાહ જોવાનું નક્કી કર્યું હતું અને જો ભક્તોની ભીડ વધુ હશે તો પાસ જારી કરવા અંગેનો નિર્ણય શુક્રવારે લેવાનું નક્કી કર્યું છે. સરકારે આપેલી માર્ગદર્શિકાનું પાલન કરાશે, પરંતુ જો ભક્તોની સંખ્યા વધી જાય તો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું મુશ્કેલ બની શકે છે, એમ દરગાહના મૅનાજિંગ ટ્રસ્ટી સોહેલ ખાંડવાનીએ જણાવ્યું. 
સામાન્યપણે ગુરુવારે રાત્રે દરગાહની મુલાકાતે વધુ લોકો આવતા હોય છે અને દરગાહ ભીડભાડવાળા વિસ્તારમાં આવી હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ઘણું મુશ્કેલ છે. ખંડવાનીએ વધુમાં જણાવ્યું કે દરગાહનો પરિસર સેનિટાઇઝ્ડ કરવામાં આવ્યો છે. અને દરગાહમાં આવનાર દરેક મુલાકાતીએ માસ્ક પહેરવો, હાથ સેનિટાઇઝ કરવા અને સુરક્ષિત અંતર જાળવવું ફરજિયાત છે. 
હાજી અલી દરગાહ ખાતે પાસની જરૂર નથી કારણ ભક્તોને લાઇનમાં જવા માટે પૂરતી જગ્યા છે. જોકે, પુરુષો અને મહિલાઓ માટે અલગ લાઇન હશે અને કોઈને પણ સંતની સમાધિને અડવાની પરવાનગી નથી. 
ભક્તોએ માસ્ક પહેર્યા છે કે નહીં એનું ધ્યાન રાખવાની સાથે સ્વયંસેવકો ગેટ પાસે થર્મલ ક્રાનિંગ પણ કરશે. ભક્તોના માનીતા કવ્વાલીના કાર્યક્રમનું આયોજન આ વરસે કરાશે નહીં. ઉપરાંત દરેક ભરક્તોને દરગાહમાં વધુ સમય ન ગાળવાનું જણાવાશે જેથી ભીડ ન થાય, એમ હાજી અલી દરગાહના મૅજર મોહમ્મદ અહમદે જણાવ્યું હતું. 
તેમણે વધુમાં કહ્યું કે પ્રવેશ માટે પાસ જારી કરવાની કોઈ યોજના નથી. અહીં પૂરતા જગ્યા છે અને એક સાથે 400 લોકોને સમાવી શકાય છે.
Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer