26/11ના આતંકવાદી હુમલાનું સ્મારક મરીન ડ્રાઈવથી પોલીસ હેડક્વાર્ટ્સમાં ખસેડાશે

26/11ના આતંકવાદી હુમલાનું સ્મારક મરીન ડ્રાઈવથી પોલીસ હેડક્વાર્ટ્સમાં ખસેડાશે
મુંબઈ, તા. 20 : 26/11ના આતંકવાદી હુમલાના શહીદોની સ્મૃતિમાં મરીન ડ્રાઈવસ્થિત પોલીસ જિમખાનામાં બનાવવામાં આવેલું સ્મારક ક્રાફર્ટ માર્કેટ નજીક મુંબઈ પોલીસના હેડક્વાટર્સમાં સ્થિત કમિશનરના કાર્યાલયની નવી ઈમારતમાં ખસેડાશે. મરીન ડ્રાઈવમાં ચાલી રહેલા મેટ્રોના ભૂમિગત કામને લીધે સ્મારક ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સ્મારકને સ્થળાંતરિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે અને 23મી નવેમ્બર સુધીમાં પૂરું થવાની શક્યતા છે. 26મી નવેમ્બરે હુમલાની 12મી વર્ષગાંઠ છે. 26મી નવેમ્બરે, દર વર્ષની જેમ મહારાષ્ટ્રના રાજ્યપાલ, મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન, મુખ્ય સચિવ, ડિરેક્ટર જનરલ અૉફ પોલીસ અને રાજ્યના અન્ય અગ્રણીઓ અહીં શહીદોને શ્રદ્ધાંજલિ આપે એવી શક્યતા છે. 26/11ના શહીદોના સ્મારક છત્રપતિ શિવાજી ટર્મિનસ, કોલાબા, કામા હૉસ્પિટલ અને ગિરગામ ચોપાટી ખાતે બનાવવામાં આવ્યા છે જેમાં પોલીસ જિમખાના સ્થિત સ્મારક સૌથી મોટું છે.
આ સ્મારક મુંબઈ પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ), ગવર્મેન્ટ રેલવે પોલીસ (જીઆરપી), હોમ ગાર્ડ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ના શહીદ થયેલા 18 જવાનોની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે અને પોલીસ દળ દ્વારા તેની જાળવણી થાય છે. આતંકવાદી હુમલામાં શહીદ થયેલા કેટલાક મુખ્ય નામોમાં હેમંત કરકરે, સંદીપ ઉન્નીકૃષ્ણન, અશોક કામટે, વિજય સાલસકર, તુકારામ ઓંબળેનો સમાવેશ થાય છે. આ સ્મારક નવા સ્થળે કાયમી સ્વરૂપે રહેશે, એવું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer