વીજ બિલના મુદ્દે રાજકારણ ગરમાયું; સોમવારે ભાજપ બિલોની હોળી કરશે

વીજ બિલના મુદ્દે રાજકારણ ગરમાયું; સોમવારે ભાજપ બિલોની હોળી કરશે
મુંબઈ, તા. 20 : લોકડાઉનમાં મહારાષ્ટ્રમાં વીજ વપરાશકારોના મોકલવામાં આવેલા તોતિંગ રકમના વીજ બિલમાં રાહત આપવાના મુદ્દે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે અને ભાજપે રાજ્યભરમાં આંદોલનની ધમકી આપી છે. 
મહાવિતરણ કંપનીના બિલો લોકડાઉનમાં વધુ આવ્યા એ બાદ ઉદ્ધવ સરકારે લોકોને રાહત આપવાની જાહેરાત કરી હતી, પણ હવે આ વચન પાળવામાં સરકાર અક્ષમ હોવાની જાહેરાત કરતા વિપક્ષ આ મુદ્દે લાભ ખાટવા મેદાનમાં ઉતરી છે. 
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ચીફ અને મહારાષ્ટ્રના પ્રધાન જયંત પાટીલે શુક્રવારે કહ્યું હતું. સરકારી વીજ ટ્રાન્સમિશન કંપની એમએસઈડીસીને આર્થિક ખાડામાં ધકેલવા માટે ભાજપ સરકાર જવાબદાર છે. ભાજપના શાસન કાળમાં વીજ ગ્રાહકો પાસેથી રૂપિયા 67  હજાર કરોડ વસૂલવામાં આવ્યા નહોતા.   
ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ઊર્જા પ્રધાન ચંદ્રકાંત બાવનકુળેએ કહ્યું હતું કે સરકાર વીજગ્રાહકોને બિલમાં કોઈ રાહત નહીં આપે તો 23 નવેમ્બરના રાજ્યભરમાં વીજ બિલોની હોળી કરાશે. જે ગ્રાહકોનો વીજ વપરાશ 300 યુનિટથી ઓછો હોય તેમના માર્ચ-જૂન સુધીના બિલો ભરવામાંથી સંપૂર્ણ માફી આપવી જોઈએ. 
તેમણે કહ્યું હતું કે લોકડાઉનમાં લોકોની એક તો નોકરીઓ ગઈ છે અને ઉપરથી તાતિંગ વીજ બિલો આવ્યા છે. 
વીજ ગ્રાહકો પાસેથી ભાજપ સરકારે વસૂલી કરી નહોતી એવા ઊર્જાપ્રધાન નીતિન રાઉતના આક્ષેપના જવાબમાં ચંદ્રકાંત બાવનકુલેએ કહ્યું હતું કે અમે ખેડૂતોને રાહત આપવા માગતા હતા. ભાજપ સરકારે 45 લાખ ખેડૂતોના બિલની વસૂલીના કોઈ પ્રયાસ કર્યા નહોતા. અમે તેમના વીજ કનેકશન પણ કાપ્યા નહોતા. 
શુક્રવારે બાંદરામાં એમએસઈડીસીના મુખ્યાલય પ્રકાશગઢની સામે ભાજપના મુંબઈના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વ હેઠળ ભાજપી કાર્યકરોએ આંદોલન પણ કર્યા હતા. 
નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભાજપના શાસનમાં ત્રણે સરકારી વીજ કંપનીનો દેખાવ એકદમ ઉતકૃષ્ઠ રહ્યો હતો. અમે એકદમ સસ્તા ભાવે વીજ ખરીદતા હતા અને ગરીબો તથા ખેડૂતોને રાહત આપતા હતા. ઉદ્ધવ સરકારને હવે ભાન થયું છે કે તે આપેલું વચન પાળી શકે એમ નથી એટલે તેમણે યુ-ટર્ન માર્યો છે.
Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer