કરફ્યુની જાહેરાત બાદ અમદાવાદ અને વડોદરાની બજારોમાં લોકોની ભીડ ઊમટી

કરફ્યુની જાહેરાત બાદ અમદાવાદ અને વડોદરાની બજારોમાં લોકોની ભીડ ઊમટી
કોરોના કાળમાં ભીડ સુપર સ્પ્રેડર બનવાની શક્યતા
અમદાવાદ,તા.20 : રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ  અમદાવાદ શહેરમાં નોંધાયા છે. લોકડાઉન સમયે પણ સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં સામે આવ્યા હતા. થોડા દિવસોથી અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું હતું, પરંતુ દિવાળીની રજાઓમાં વધારે છૂટછાટ આપવામાં આવતા બજારોમાં દિવાળી પહેલા લોકોની ભીડ ઉમટી પડી હતી અને નિયમોનો ભંગ પણ જોવા મળ્યો હતો. ત્યારે હવે દિવાળી પછી અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે  શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી લઇને સોમવારે સવાર 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા કર્ફ્યૂનું એલાન કરવામાં આવતા સવારથી અમદાવાદ શહેરની કાલુપુર શાકમાર્કેટમાં અને દુકાનો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો શાકભાજી અને કરીયાણાનો સામાન લેવા માટે ઘરમાંથી બહાર નીકળ્યા હોવાના કારણે શહેરમાં સામાજિક અંતરના ધજાગરા ઉડયા હતા. તંત્રએ શહેરમાં ખોટી રીતે લોકો વધારે સંખ્યામાં એકઠા ન થાય તે માટે આ કર્ફ્યૂનું એલાન કર્યું છે પરંતુ કર્ફ્યૂની જાહેરાત થતા જ શહેરની બજારોમાં દિવાળીના દિવસોની જેમ ભીડ જોવા મળી રહી હતી જેને લઇને અમદાવાદના હાર્દ સમા ભદ્ર વિસ્તાર પાસે અંદાજીત 250 થી 300 જેટલા પાથરણાવાળાને પોલીસ દ્વારા બપોરથી જ તેમના ધંધા બંધ કરાવ્યા હતા. કાલુપુર ઉપરાંત જોધપુર અને શ્યામલ વિસ્તારમાં આવેલા ડી-માર્ટમાં પણ લોકોની લાંબી લાઈનો  જોવા મળી રહી હતી.
અમદાવાદમાં સાવચેતીના ભાગરૂપે લેવામાં આવેલા નિર્ણયને પગલે વડોદરામાં લોકોને કર્ફ્યૂની ભીતિ છે. જેને પગલે લોકો શાકભાજી સહિતની વસ્તુઓ લેવા માટે બજારોમાં ભીડ લગાવી હતી. જોકે, વડોદરામાં કોરોનાના કેસો નિયંત્રણ હેઠળ છે, ત્યારે વડોદરાના લોકોને અપીલ કરવામાં આવે છે કે, કોઇએ અફવાઓ ઉપર ધ્યાન આપવું નહીં. માસ્ક પહેરો અને સાવચેતી રાખો. ખંડેરાવ માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે, લોકોએ ગભરાવવાની જરૂર નથી, કોઇ પણ પરિસ્થિતિમાં શાકભાજી મળવાનું જ છે.
Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer