ડેમોક્રેટની જીતને ટ્રમ્પ કૅમ્પે વધુ કેટલાંક રાજ્યોમાં પડકારી

ડેમોક્રેટની જીતને ટ્રમ્પ કૅમ્પે વધુ કેટલાંક રાજ્યોમાં પડકારી
રિપબ્લિકનો દુનિયાભરમાં અમેરિકાને બદનામ કરે છે : બાયડન
વૉશિંગ્ટન, તા.20 :  અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી ચૂંટણીમાં મળેલી હાર સ્વીકારવા તૈયાર નથી અને ડેમોક્રેટિક નેતા જૉ બાયડનની જીતને વિવિધ કોર્ટમાં પડકારી રહ્યા છે. બાયડને જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો અને પ્રક્રિયાને પડકારીને ટ્રમ્પ અને રિપબ્લિકનો વિશ્વભરમાં અમેરિકાને બદનામ કરી રહ્યા છે. 
દરમિયાન જ્યોર્જિયામાં ફેર મત ગણતરીના પરિણામો બાયડન તરફી આવ્યા છે. રાજ્યના ટોચના એક અધિકારીએ કહ્યું હતું કે 1992થી જ્યોર્જિયામાં રિપબ્લિકનનો દબદબો આ વખતે તૂટયો છે. ફેર મત ગણતરી બાદ ટ્રમ્પ કરતા બાયડનને 12,284 વધુ મતો મળ્યા છે. ટ્રમ્પ કૅમ્પ વતી બાયડને ચૂંટણીમાં વ્યાપક ગરબડો અને બોગસ વૉટિંગ કરાવ્યાના આક્ષેપો થઇ રહ્યા છે. ટ્રમ્પના અંગત અટોર્ની રૂડી ગુલિયન અને અટોર્નીની ટીમ તરફથી જણાવાયું હતું કે પેનિસિલ્વેનિયા, મિશિગન અને જ્યોર્જિયા સહિતના રાજ્યોમાં બાયડનની જીતને કાનૂની રાહે પડકારવામાં આવી છે. ઍટલાન્ટા, ડેટ્રોઇટ, મિલ્વૌકી, ફિલાડેલ્ફિયા અને અન્ય કેટલાંય સિટીમાં પણ વ્યાપક ગરબડો કરાઇ છે. ગુલિયને કહ્યું હતું કે બાયડન અને ડેમોક્રેટ પાર્ટીએ આ ચૂંટણી હાઇજૅક કરી છે અને ચાલાક લોકોને સત્તા પર ફાવવા નહીં દઇએ. અમેરિકાની જનતાએ ટ્રમ્પને જ ચૂંટયા છે, કોર્ટમાં એ સાબિત કરીશું. 
દરમિયાન ટ્રમ્પ કૅમ્પ તરફથી સતત થઇ રહેલા હુમલાનો જવાબ આપતા વિજેતા બાયડને જણાવ્યું હતું કે અમેરિકાની લોકશાહી અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઉઠાવીને ટ્રમ્પ કૅમ્પ દુનિયાભરમાં અમેરિકાને બદનામ કરી રહ્યા છે. હારેલા રિપબ્લિકનો બેજવાબદાર વર્તન કરી રહ્યા છે. હું તેમનો ઇરાદો તો પારખી નથી શકતો પરંતુ એટલું કહી શકું છું કે ડેમોક્રેટની જીત અને રિપબ્લિકનની હાર ન સ્વીકારીને આ રીતે અડચણો ઊભી કરીને ટ્રમ્પ કૅમ્પ દુનિયાભરમાં અમેરિકા અને અમેરિકાની લોકશાહીને બદનામ કરી રહ્યા છે. 
Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer