અમદાવાદ બાદ હવે રાજકોટ, સુરત, વડોદરામાં આજથી રાત્રી કર્ફ્યૂ

અમદાવાદ બાદ હવે રાજકોટ, સુરત, વડોદરામાં આજથી રાત્રી કર્ફ્યૂ
ગુજરાતમાં કોરોનાને ડામવા વ્યાપક તૈયારી
તમામ સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર  સજ્જ: નીતિન પટેલ
અમદાવાદ, તા. 20 : અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં આવતીકાલથી રાતે 9થી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ રાત્રી કર્ફ્યૂ અન્ય જાહેરાત સરકાર દ્વારા ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ સાથે રાજ્યના તમામ ડોક્ટરોને જ્યાં ફરજ સોંપાઈ હોય ત્યા જોડાઈ જવા વિનંતી કરી હતી અને જો નહીં જોડાય તો પગલા લેવાની ચેતવણી પણ આપી હતી. દરમિયાન સુરતમાં હવે બહારગામથી પરત ફરનારાઓના કોરોના ટેસ્ટ કરવાની મનપા દ્વારા નક્કી કરાયું છે.
ગાંધીનગરમાં આજે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી હાઇપાવર કમિટીની બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, મહાનગરોમાં કોરોના સંક્રમણ વ્યાપક થતું અટકાવવા આગોતરા પગલા અને તકેદારી રૂપે રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય આજની હાઇપાવર કમિટીમાં કરાયો છે. જે મુજબ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરામાં આવતીલાક 21 નવેમ્બરને શનિવારથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો સાત્રી કર્ફ્યૂનો અમલ કરાશે. નીતિન પટેલે કર્ફ્યૂની અમલવારી અંગે ગૃહ વિભાગની નોટિફિકેશન અંગે જાણકારી આપી હતી. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, રાજ્યની પ્રજાને ડરવાની કોઇ જરૂર નથી, સ્થિતિ કંટ્રોલમાં છે. તમામ સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને તંત્ર સજ્જ છે. સોશિયલ મીડિયામાં જે અફવાઓ સામે આવી રહી છે તેના પર વિશ્વાસ ન કરો. સરકારી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ છે.
Published on: Sat, 21 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer