વન ડે શ્રેણી પર અૉસ્ટ્રેલિયાનો કબજો : સિડનીમાં ટીમ ઇન્ડિયા ફરી હારી

વન ડે શ્રેણી પર અૉસ્ટ્રેલિયાનો કબજો :  સિડનીમાં ટીમ ઇન્ડિયા ફરી હારી
સ્મિથની આક્રમક સદીથી અૉસ્ટ્રેલિયાનો 51 રને વિજય : અૉસ્ટ્રેલિયાના 4 વિકેટે 389 સામે ભારતના 9 વિકેટે 338: કૅપ્તાન કોહલીની 89 રનની ઇનિંગ્સ એળે
સિડની, તા. 30 : કોરોના મહામારીને લીધે લગભગ નવ મહિના બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનાર ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વન ડે શ્રેણી 0-2થી ગુમાવી છે. આજે એસસીજી પર રમાયેલા બીજા વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો પાવર બેટિંગથી ભારત સામે 51 રને વિજય થયો હતો. આથી ઓસિ.ની 2-0ની અતૂટ સરસાઇ થઇ છે અને વન ડે શ્રેણી કાંગારૂની કોથળીમાં આવી ગઇ છે. ફરી એકવાર ભારતની નબળી બોલિંગ-ફિલ્ડીંગનો ભરપૂર ફાયદો ઉઠાવીને ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 389 રન ખડકયાં હતા. જવાબમાં ટીમ ઇન્ડિયા સંઘર્ષ બાદ 9 વિકેટે 338 રને અટકી હતી. આથી ઓસ્ટ્રેલિયાનો 51 રને વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ સ્ટીવન સ્મિથે ફરી આક્રમક સદી કરી હતી. તો ભારતીય સુકાની કોહલી 89 રને આઉટ થયો હતો. શ્રેણીનો ત્રીજો અને આખરી વન ડે મેચ મંગળવારે રમાશે. આજના મેચમાં ખાસ વાત એ રહી હતી કે ઓસિ.ના ટોચના પાંચેય બેટ્સમેન 50 પ્લસ રન કર્યાં હતા. 390 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરનાર કોહલીસેનાએ જીત માટે સંઘર્ષ જરૂર કર્યોં હતો, પણ લક્ષ્યાંક પહાડ સમાન હોવાથી સર કરી શકયા ન હતા. ભારત તરફથી સૌથી વધુ 89 રન સુકાની કોહલીએ કર્યાં હતા. તેણે 87 દડાની ઇનિંગમાં 7 ચોક્કા અને 2 છક્કા લગાવ્યા હતા. તેના અને શ્રેયસ અય્યર વચ્ચે ત્રીજી વિકેટમાં 93 અને ચોથી વિકેટમાં રાહુલ સાથે 70 દડામાં 72 રનની ભાગીદારી થઇ હતી. અય્યર 36 દડામાં 5 ચોક્કાથી 38 અને રાહુલ 66 દડામાં 4 ચોક્કા અને 5 છક્કાથી 76 રન કરીને આઉટ થયા હતા. આ સિવાય શિખરે 28, મંયકે 30, હાર્દિકે 28 અને રવીન્દ્રે ઝડપી 24 રનનું યોગદાન આપ્યું હતું. રાહુલ અને હાર્દિકની જોડી જયાં સુધી ક્રિઝ પર હતી ત્યાં સુધી ભારતની આશા હતી, પણ આ જોડી તૂટયા બાદ ઓસ્ટ્રેલિયા માટે જીતની ફકત ઐપચારિકતા જ રહી હતી. અંતે ટીમ ઇન્ડિયાના 9 વિકેટે 338 રન થયા હતા અને 51 રને હાર નોંધાઇ હતી. ઓસિ. તરફથી કમિન્સને 3 અને ઝમ્પાને 2 વિકેટ મળી હતી.
 આ પહેલા ટોસ જીતીને પહેલો દાવ લેનાર ઓસ્ટ્રેલિયાએ ફરી સંગીન શરૂઆત કરી હતી. કેપ્ટન ફિંચ અને વોર્નરે સતત બીજા મેચમાં ભારતીય બોલરોની ધોલાઇ કરીને પહેલી વિકેટમાં 142 રનની ભાગીદારી કરી હતી. ફિંચ 69 દડામાં 6 ચોક્કા-1 છક્કાથી 60 રને અને વોર્નર 77 દડામાં 7 ચોક્કા-3 છક્કાથી શાનદાર 83 રને (રનઆઉટ) પાછા ફર્યાં હતા. જ્યારે સુપર સ્મિથે તેનું ચમત્કારિક પ્રદર્શન ચાલુ રાખીને ભારત સામે શ્રેણીની સતત બીજી સદી ફટકારી હતી. તેણે માત્ર 64 દડામાં 14 ચોક્કા-2 છક્કાથી લાજવાબ 104 રન કર્યાં હતા. તો લાબુશેનના ખાતામાં 61 દડામાં 70 રન રહ્યા હતા. જયારે મેકસવલે ફરી આતશી બેટિંગ કરીને માત્ર 29 દડામાં 4 ચોક્કા-4 છક્કાથી અણનમ 63 રનની ઇનિંગ રમી હતી. આથી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 389 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આજના મેચમાં પણ ભારતની બોલિંગ-ફિલ્ડીંગ કંગાળ રહી હતી. શમી, બુમરાહ અને હાર્દિકને 1-1 વિકેટ મળી હતી.Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer