978 મૅચમાં ભારત વિરુદ્ધ પહેલીવાર સતત ત્રણ મૅચમાં અૉપનિંગમાં સદીની ભાગીદારી

978 મૅચમાં ભારત વિરુદ્ધ પહેલીવાર સતત ત્રણ મૅચમાં અૉપનિંગમાં સદીની ભાગીદારી
સિડની તા. 29 : વન ડે ક્રિકેટમાં ભારતીય ટીમના નામે આજે એક અણગમતો રેકોર્ડ લખાયો છે. જે તેના 978 મેચના ઇતિહાસમાં અત્યાર સુધી થયું ન હતું. ટીમ ઇન્ડિયા વિરૂધ્ધ પહેલીવાર સતત ત્રણ વન ડેમાં પહેલી વિકેટમાં સદીની ભાગીદારી નોંધાઇ છે. આજે બીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાના સુકાની એરોન ફિંચ અને ડેવિડ વોર્નર વચ્ચે પહેલી વિકેટમાં 142 રનની ભાગીદારી થઇ હતી. શ્રેણીના પહેલા મેચમાં બન્નેએ 156 રનની ભાગીદારી કરી હતી. આ બે વન ડે પૂર્વેના માઉન્ટ માઉનગાનુઇમાં રમાયેલા વન ડે મેચમાં ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે અને હેનરી નિકોલસનની ઓપનિંગ જોડીએ પહેલી વિકેટમાં 106 રન બનાવ્યા હતા. આમ ભારત સામે સતત ત્રણ વન ડેમાં ઓપનિંગમાં વિરોધી ટીમે ત્રણ આંકડાની ભાગીદારી કરી છે.
એરોન ફિંચ અને ડેવિડ વોર્નરની કાંગારૂ ઓપનિંગ જોડીનું પાછલા કેટલાક સમયથી ભારત સામે સતત શાનદાર પ્રદર્શન રહ્યંy છે. પહેલા મેચમાં 156 રનની ભાગીદારી અને આજે 142 રનની ભાગીદારી કરનાર વોર્નર-ફિંચની જોડીએ ભારત સામેની પાછલી 9 ઇનિંગમાં 70, 231, 66, 61, 258 અણનમ,  20, 18, 156 અને 142 રનની પહેલી વિકેટમાં ભાગીદારી કરી છે. ઓસ્ટ્રેલિયા તરફથી બન્નેએ 12મી સદીની ભાગીદારી કરી છે. ઓસિ. તરફથી સૌથી વધુ શતકીય ભાગીદારીનો રેકોર્ડ મેથ્યૂ હેડન અને આદમ ગિલક્રિસ્ટના નામે છે. આ બન્ને વચ્ચે 16 વખત ત્રણ આંકડાની ભાગીદારી થઇ છે.Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer