સરકારી એજન્સીઓ દ્વારા કઠોળની ખરીદીમાં ઉત્સાહનો અભાવ

સરકારી એજન્સીઓ દ્વારા કઠોળની ખરીદીમાં ઉત્સાહનો અભાવ
ડી. કે. તરફથી  મુંબઈ, તા. 29 : ખુલ્લા બજારમાં કઠોળના ઉંચા ભાવ અને સરકારની ખરીદી માટેની મર્યાદાના કારણે હાલની ખરીફ મોસમમાં સરકારી એજન્સી અત્યાર સુધીમાં માંડ 5112 ટન મગની ખરીદી કરી શકી છે, જ્યારે મસુરની ખરીદી તો માંડ 14.36 ટને પહોંચી છે.   ઘણાં વર્ષો બાદ થોડા સમયથી દેશમાં ખેડૂતોને પોતાની કઠોળની નિપજ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી ઉંચા ભાવે વેચવાની તક મળી છે. સરકારે વર્ષ 2020ની સિઝન માટે મસુરના ટેકાના ભાવ ક્વિન્ટલ દિઠ 5000 રૂપિયા જાહેર કર્યા છે, હાજર બજારોમાં મસુરના ભાવ ટેકાના ભાવથી 1200 રૂપિયાથી માંડીને 1500 રૂપિયા જેટલા વધારે ચાલી રહ્યા છે.કર્ણાટકના ગુલબર્ગા સહિતની દક્ષિણ ભારતની મંડીઓમાં મસુરના ભાવ ક્વિન્ટલ દિઠ 5800 રૂપિયાથી માંડીને 6500 રૂપિયા ચાલી રહ્યા છે. પરિણામે સરકારની સૂચના હોવા છતાં નાફેડ આ ભાવે મસુરની ખરીદી કરી શકતી નથી. અત્યાર સુધીમાં કુલ 14.36 ટનની ખરીદી માંથી 9.85 ટનની ખરીદી તો માત્ર મહારાષ્ટ્રના રાહુરી પંથકમાંથી જ થઇ છે.    આ જ રીતે નાફેડે મગની ખરીદી પણ શરૂ કરી છે. સરકારે આ વખતે મગના ટેકાના ભાવ 5225 રૂપિયા નક્કી કર્યા છે. પરંતુ હાજર બજારોમાં મગના ભાવ ક્વિન્ટલ દિઠ 7500 રુપિયાથી માંડીને 8500 રપિયા સુધીના ચાલતા હોવાથી ખેડૂતો નાફેડને માલ વેચવા આવતા નથી. પરિણામે નાફેડ હજુ સુધીમાં માંડ 5112 ટન મગની ખરીદી કરી શક્યું છે. કર્ણાટકનાં ગુલબર્ગા મંડીમાં મગની દાળના ભાવ 9200 રૂપિયાની સપાટી વટાવી ગયા છે. નાફેડની મગની ખરીદીમાં પણ રાજસ્થાન 3529 ટનના હિસ્સા સાથે પ્રથમ ક્રમાંકે છે. આ ઉપરાંત હરિયાણામાં નાફેડે 1100 ટન તથા તામિલનાડુમાં 46 ટનની ખરીદી કરી છે.   ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન જેવાં રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનામાં થયેલા વરસાદના કારણે મગ, મઠ, અડદ તથા મસુર જેવા કઠોળના ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. તેના કારણે હાલમાં મંડીઓમાં આ કઠોળની આવકો અગાઉની ધારણા કરતા ઓછી જોવા મળે છે. હવે ઘણાં સ્થળોએ રવી મોસમમાં પણ ચણા ઉપરાંતના અમુક કઠોળનું વાવેતર કર્યું છે. આ નવા પાક આવે ત્યાં સુધી સ્ટોકિસ્ટોએ રાહ જોવાની રહેશે. મગના ઉંચા ભાવના કારણે મગની આયાત વહેલી થવાની ધારણા પણ મુકાય છે.Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer