ખેડૂતો સાથે ચર્ચા કરવા કેમ નથી જતા : અણ્ણા હઝારે

મત માગવા ખેતર સુધી જાવ છો

અહમદનગર, તા. 29 : દિલ્હીની સીમા નજીક આંદોલન કરી રહેલા ખેડૂતોના મુદ્દે સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ રવિવારે કેન્દ્રને સવાલ કરતા કહ્યું હતું કે ચૂંટણી વખતે મત માગવા તમે ખેતર સુધી જાવ છો તો પછી આંદોલન શરૂ હોય ત્યારે તેમની સાથે ચર્ચા કરવા કેમ જતા નથી? આંદોલન કરતા આ ખેડૂતો શું પાકિસ્તાનથી આવ્યા છે? કાલ ઉઠીને હિંસા ફાટી નીકળી તો કોણ જવાબદાર? 

આંદોલનકારી ખેડૂતોને ટેકો આપતાં અણ્ણા હઝારેએ કહ્યું હતું કે કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો સાથેનો કેન્દ્રનો આ વ્યવહાર ઠીક નથી. ખેડૂતો પર પાણીના જોરદાર ફુવારા મારવામાં આવે છે. એક ખેડૂતનું મૃત્યુ પણ થયું છે. આમ છતાં તેમણે આંદોલન ચાલુ રાખ્યું છે. આગળ જતાં હિંસા થશે તો કોણ જવાબદાર? 

તેમણે કહ્યું હતું કે ખેડૂતો આહિંસાના માર્ગે આંદોલન કરી રહ્યા છે. જ્યારે સરકાર ચર્ચાને ટાળી આંદોલનને કચડી પાડવા માગે છે. ખેડૂતો શત્રુ હોય એવો તેમની સાથે વ્યવહાર થઈ રહ્યો છે. ખેડૂતોને આંદોલન કરવું પડે એ આપણી કમનસીબી છે.Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer