મુંબઈમાં ફેરિયાઓના કોરોના ટેસ્ટ કરાશે

મુંબઈ, તા. 29 : જાહેર સ્થળોએ અને બજારમાં કોરોનાનો ચેપ લાગવાની શક્યતા સૌથી વધુ હોય છે. એટલે ફેરિયાઓ, દુકાનદાર ઉપરાંત માર્કેટમાં ગાળા ધરાવનારાઓના પણ કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય મહાપિલાકએ લીધો છે. દાદર, જોગેશ્વરી, બોરિવલી જેવા વિસ્તારમાં કોરોનાના ટેસ્ટ કરવવાની શરૂઆત કરવામાં આવી છે.
દિવાળીમાં બજારમાં થયેલી ભીડ, મુલાકાતો વધવાને કારણે મુંબઈમાં કોરોનાના દરદીઓની સંખ્યા રોજ એક હજાર જેટલી વધી રહી છે. કોરોનાની બીજી લહેર આવવાની શક્યતા હોવાથી પાલિકાએ સાવચેતીના પગલાં લેવાની શરૂઆત કરી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવાના ત્રિસૂત્રી નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક છે. આમ છતાં માસ્ક વગર ફરનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળતો નથી. લૉકડાઉન શિથિલ કરાયા બાદ સાર્વજનિક સ્થળોએ, બજારમાં ભીડ વધી છે. આને પગલે પાલિકાએ 244 સ્થળોએ કોરોનાના ફ્રી ટેસ્ટિંગ સેન્ટર શરૂ કર્યા છે. બજારમાં ભારે ભીડ થતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળે છે. એટલે દરેક વૉર્ડમાં કોરોનાના ટેસ્ટ મફત કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ફેરિયાઓ, દુકાનદારની સાથે માર્કેટના ગાળા ધારકોના ટેસ્ટ પર પાલિકાએ ભાર મુક્યો છે. 
દિવાળી બાદ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને રોજના 15થી 17 હજાર ટેસ્ટ  થઈ રહ્યા હોવાનું પ્રશાસને  જણાવ્યું હતું.
દાદરમાં રાનડે રોડ, બાન્દરા, ખાર, બોરિવલી પૂર્વ, જોગેશ્વરી, દાદર, જેવા સ્થળોએ ફેરિયાઓ, માર્કેટ ઉપરાંત દુકાનદારોના ટેસ્ટ મફત કરવામાં આવી રહ્યા છે.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer