કોવિડ-19 પછી લંગ ફાઇબ્રોસિસના કેસમાં વધારો

મુંબઈ, તા. 29 : કોરોના શ્વસન તંત્ર સંબંધિત રોગ તરીકે વર્ગીકૃત કરાયો છે અને એમાં ફેફસાં સૌથી વધુ પ્રભાવિત થાય છે એ આશ્ચર્યજનક નથી. પરંતુ ડોક્ટરો આ વાઇરસથી ફેફસાંને કેટલી હદે નુકસાન થઈ શકે છે એ બાબતથી ચિંતિત છે. 
ઈન્ડિયન ચેસ્ટ સોસાયટીની `લન્ગ ઇન્ડિયા' મેડિકલ જર્નલના નવેમ્બર મહિનાના અંકમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યું છે કે કોવિડ સંક્રમણ પછી લન્ગ ફાઇબ્રોસીસના કેસમાં મોટો વધારો જોવા મળી શકે છે. 
લેખના મુખ્ય લેખક ડો.ઝરીર ઉદવાડિયાએ લખ્યું છે કે કોવિડ-19ના દર્દીઓના ફેફસાંમાં મોટા પ્રમાણમાં ફાઇબ્રોસિસ જોવા મળે છે. રોગચાળાની શરુઆતના દિવસોમાં ડોક્ટરો આ વાઇરસની ન્યુમોનિયા ઉપરાંત ફેફસાંમાં લોહીની ગાંઠ બનવાની ક્ષમતા વિષે હજી સ્પષ્ટ નહોતા ત્યારે ઘણાં દર્દીઓએ સારવારમાં મોડું કર્યું. પરિણામે ચેપને લીધે ફેફસાંના ટિશ્યુઓને ઘણું નુકસાન થયું. હજારો લોકો પોસ્ટ કોવિડ ઈન્ટરસ્ટીટીયલ લન્ગ ડિસીઝ (પીસી-આઇએલડી)નો ભોગ બન્યા હોઈ શકે છે. તબીબી ક્ષેત્રને કોવિડ-19 વિષે 11થી 12 મહિનાનું જ્ઞાન છે. જેમના ફેફસાંને ગંભીર નુકસાન થયું છે તેઓ સામાન્ય થઇ શકશે કે વર્ષો વીતવા સાથે તેમની સ્થિતિ વણસતી જશે એ વિષે હજી સ્પષ્ટતા નથી. 
સ્ટેટ ટાસ્ક ફૉર્સના ડો. રાહુલે જણાવ્યું હતું કે  હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવેલા કોવિડના ઘણા ગંભીર દર્દીઓના ફેફસાંના વ્રણ હજી ભરાયા નથી. નોન-કોવિડ ન્યુમોનિયામાં યુવાન દર્દીને સાજા થતાં ચાર અઠવાડિયા અને વયસ્ક વ્યક્તિને 12 અઠવાડિયા લાગી શકે છે. પરંતુ કોવિડ સંક્રમિત દર્દીને ન્યૂમોનિયામાંથી સાજા થવામાં વાર લાગી શકે છે. 
ડો. ઉદવાડિયાએ લેખમાં જણાવ્યું છે કે કોરોના સંક્રમિત મોટા ભાગના દર્દીઓમાં ફેફસાંનો રોગ દીર્ઘકાળ રહેશે નહીં. પાંચથી દસ ટકા લોકોને ગંભીર કોવિડ-19 ન્યુમોનિયા અને એક્યુટ રેસ્પિરેટરી ડિસીઝ સીન્ડ્રોમ થઇ શકે છે. જો કે વિશ્વમાં 6.1 કરોડ લોકો કોરોના સંક્રમિત થયા હોવાથી પાંચથી દસ ટકાનો આંકડો પણ નાનો નથી.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer