સીરમ ઇન્સ્ટિટયૂટ કૉવિશિલ્ડના ઇમર્જન્સી ઉપયોગ માટે અરજી કરશે

પૂણે, તા. 29 : કેન્દ્ર સરકારે સૂચન કર્યું છે કે તે જુલાઈ સુધીમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ડ્રગમેકર એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી કોરોના રસીના 300થી 400 મિલિયન ડોઝ ઈચ્છે છે. સીરમ ઇન્સ્ટિટયુટના સીઇઓ અદાર પૂનાવાલાએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ આ જાણકારી આપી હતી. 
આ દરમિયાન સીરમ ઇન્સ્ટિટયુટ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે તેણે કોવિશિલ્ડ રસી તૈયાર કરી લીધી છે અને ઇમર્જન્સી ઉપયોગ માટે અરજી કરવામાં આવશે. 
કોરોના વેક્સિનને લઈને થઈ રહેલી પ્રગતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ રહેલી બેઠક અંગે પુનાવાલાએ કહ્યું હતું કે, પીએમ સાથે ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અદાર પુનાવાલાએ કહ્યું હતું કે, અત્યારસુધીમાં ભારત સરકાર તરફથી લેખિતમાં કોઈ સૂચના આપવામાં આવી નથી કે કેટલા કોરોના ડોઝ ખરીદવામાં આવશે. જો કે સંકેત મળ્યા છે કે જુલાઈ 2021 સુધીમાં 300-400 મિલિયન ડોઝ મળશે.
 તેમણે આગળ કહ્યું હતું કે, ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી મેળવવા માટે બે અઠવાડિયામાં અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 
પીએમ મોદીએ કોરોના વેક્સિન સંબંધિત કાર્યની સમીક્ષા માટે ત્રણ શહેરોના પ્રવાસના અંતિમ તબક્કામાં પૂણેની સીરમ ઇન્સ્ટિટયુટ મુલાકાત લીધી હતી.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer