આરટીજીએસ અને નવી ટ્રેનો સંબંધી નિર્ણય; ગૅસ, પેટ્રોલ મોંઘા થશે

પહેલી ડિસેમ્બરથી મહત્ત્વના ચાર બદલાવ
નવી દિલ્હી, તા. 29 : દેશમાં એક ડિસેમ્બરથી મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય લોકોને થશે. જેમાં આરટીજીસીના નિયમોમાં ફેરફાર, નવી ટ્રેન, પીએનબીમાં એટીએમ સંબંધિત નિયમોમાં બદલાવ વગેરેનો સમાવેશ થાય છે. 
24 કલાક આરટીજીએસનો ફાયદો
એક ડિસેમ્બરથી બેન્ક ગ્રાહકો માટે આરટીજીએસ (રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ)ની સુવિધા 24 કલાક અને 7 દિવસ ઉપલબ્ધ રહેશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના કહેવા પ્રમાણે 1 ડિસેમ્બર 2020થી આરટીજીએસ ટ્રાન્ઝેક્શનની સુવિધા 24 કલાક માટે ઉપલબ્ધ રહેશે. કોરોના કાળ દરમિયાન ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ઘણો વધારો થયો છે. વર્તમાન નિયમ પ્રમાણે બીજા અને ચોથા શનિવારને છોડીને તમામ દિવસે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. 
નવી ટ્રેનો દોડશે
કોરોના સંકટના કારણે હજી પણ ઘણા રૂટ ઉપર ટ્રેનોની અવરજવર સામાન્ય થઈ શકી નથી. પરંતુ હવે રેલવે તરફથી એક ડિસેમ્બરથી ઘણા રૂટ ઉપર ટ્રેનની અવરજવર શરૂ કરવામાં આવી રહી છે. એક ડિસેમ્બરથી યાત્રીઓ માટે ઝેલમ એઁક્સપ્રેસ  અને પંજાબ મેલ ટ્રેન ઉપલબ્ધ રહેશે. રેલવેના કહેવા પ્રમાણે પુણે -જમ્મુ તવી-પુણે ઝેલમ સ્પેશિયલ અને ફિરોઝપુર પંજાબ મેલ દરરોજ દોડશે. 
પીએનીબીના એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમો
પીએનબીએ એક ડિસેમ્બરથી એટીએમમાંથી રોકડ ઉપાડના નિયમોમાં બદલાવનું એલાન કર્યું છે. બેન્ક મુજબ નવો નિયમ સુરક્ષિત રહેશે. એક ડિસેમ્બરથી પીએનબી ઓટીપી બેઝ્ડ કેશ વિડ્રોલ સુવિધા લાગુ કરવા જઈ રહ્યું છે. પીએનબી તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ એક વખતમાં 10000 રૂપિયાથી વધારે રોકડ ઉપાડ હવે ઓટીપી બેઝ્ડ રહેશે. આ નિયમ રાત્રે 8થી સવારે 8 લાગુ રહેશે. આ સમયગાળામાં 10000થી વધારે રોકડ માટે ઓટીપી જરૂરી રહેશે. 
પેટ્રોલ, ગૅસ સિલિન્ડરની કિંમતો વધી શકે
સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોની સમિક્ષા કરે છે. એટલે કે કિંમત વધારવા કે ઘટાડવા અંગે નિર્ણય કરવામાં આવશે. તેવામાં સંભાવના છે કે એક ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં બદલાવ થઈ શકે છે. નવેમ્બરમાં ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો હતો.

Published on: Mon, 30 Nov 2020

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer